નવી દિલ્હી, તા. 14 : જીનિવામાં આંતર સંસદીય સંઘની 149મી સભામાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે સભાને સંબોધન કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત હંમેશાં બહુ પક્ષવાદનું સમર્થક રહ્યું છે. `શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનનો ઉપયોગ’ વિષય પર બોલતાં બિરલાએ જણાવ્યુ હતું. કે, આ ક્ષેત્રોમાં વિશ્વની સંસદો વચ્ચે વ્યાપક સંવાદ અને સહયોગ માનવકલ્યાણ માટે અત્યંત જરૂરી છે.
આવા મંચની મદદથી સંસદો સહિયારી કાર્ય યોજનાઓ અને પ્રયાસો દ્વારા સંપૂર્ણ વિશ્વના સમાવેશી વિકાસનો માર્ગ મોકળો કરવામાં સફળ થશે, તેવું તેમણે ઉમેર્યું હતું. જળવાયુ પરિવર્તન અને ઊર્જાસુરક્ષા વિશે લોકસભા અધ્યક્ષે વડાપ્રધાન મોદીના `વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ’ પહેલના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ભારતની અક્ષય ઊર્જા ક્ષમતા 76માંથી વધીને 203 ગિગાવોટ થઇ ગઇ છે. ઓમ બિરલાએ જળવાયુ પરિવર્તનની સમસ્યાનાં સમાધાન માટે ભારતની પ્રતિબદ્ધતાની પ્રતીતિ કરતાં ગ્રીન હાઇડ્રોજન મિશન, આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, જૈવિક ઇંધણ જોડાણ જેવી પહેલો પર વાત કરી હતી.

