Article 142 Supreme Court: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા એક એવો ચુકાદો આપ્યો છે જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ નિર્ણયમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંતની બેન્ચે એક ગરીબ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યો અને થોડી જ વારમાં તેને મેડિકલ સીટ આપવાનો આદેશ આપી દીધો. મધ્યપ્રદેશના વિદ્યાર્થી અથર્વ ચતુર્વેદીએ બે વાર NEET ક્લિયર કરી હતી, પરંતુ તેને મેડિકલ પ્રવેશ મળી શક્યો ન હતો. આ પછી તેણે હાઈકોર્ટમાં ધા નાખી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આખરે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી અને વિદ્યાર્થીને મોટી રાહત આપતા નેશનલ મેડિકલ કમિશન (NMC) અને મધ્યપ્રદેશ સરકારને તેને MBBS કોર્સમાં એડમિશન આપવાનો નિર્દેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટે પોતાની એક ખાસ શક્તિનો ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે. બંધારણની કલમ ૧૪૨ (Article 142) નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટની બેન્ચે વિદ્યાર્થીને આ મોટી રાહત આપી છે. ચાલો જાણીએ કે આ કલમ ૧૪૨ શું છે અને તેનાથી સુપ્રીમ કોર્ટને કઈ પાવર મળે છે.
શું છે બંધારણની કલમ ૧૪૨?
ભારતીય બંધારણમાં સુપ્રીમ કોર્ટને ‘અંતિમ’ અથવા ‘સંપૂર્ણ ન્યાય’ કરવા માટે એક વિશેષ શક્તિ આપવામાં આવી છે, જેનું વર્ણન કલમ ૧૪૨ માં કરવામાં આવ્યું છે. આ આર્ટિકલ સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ ન્યાય કરવા માટેનો અધિકાર આપે છે. આનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ કોઈ પણ નિર્ણયને પલટી શકે છે અને ન્યાય માટે આદેશ આપી શકે છે. મધ્યપ્રદેશના વિદ્યાર્થીવાળા કિસ્સા પહેલા પણ સુપ્રીમ કોર્ટે ઘણી વખત આ ખાસ શક્તિનો ઉપયોગ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના આવા નિર્ણયોને લાગુ કરવાનું કામ સંસદ દ્વારા કરવામાં આવે છે; સંસદમાં આ અંગે કાયદો બનાવવામાં આવે છે અને પછી તે સમગ્ર દેશમાં લાગુ થાય છે. જો સંસદ કોઈ કાયદો ન બનાવે, તો રાષ્ટ્રપતિ નક્કી કરે છે કે આ નિર્ણયને કેવી રીતે લાગુ કરવામાં આવશે.
તાજેતરમાં ક્યારે થયો કલમ ૧૪૨નો ઉપયોગ?
છૂટાછેડા પછી મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટી પર મુક્તિનો મામલો.
બુલડોઝર એક્શન વિરુદ્ધ ગાઈડલાઈન જાહેર કરવી.
સમયસર ફી ન ભરવાને કારણે IIT ના દલિત વિદ્યાર્થીના એડમિશનનો મામલો.
ચંદીગઢ મેયર ચૂંટણીના પરિણામો પલટવાનો નિર્ણય.
તાજો મામલો શું છે?
તાજેતરના કિસ્સામાં મધ્યપ્રદેશના વિદ્યાર્થી અથર્વ ચતુર્વેદીએ પોતે જ સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો અને જણાવ્યું કે કેવી રીતે તેને મેડિકલ સીટ મળી નથી. આ બધું ત્યારે થયું જ્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચ ઊભી થઈ રહી હતી; વિદ્યાર્થીને જોઈને તમામ જજો રોકાયા અને તેની દલીલો ઊભા-ઊભા જ સાંભળવા લાગ્યા. અંદાજે ૧૦ મિનિટ ચાલેલી આ સુનાવણી પછી CJI ના નેતૃત્વવાળી બેન્ચે વિદ્યાર્થીના પક્ષમાં ચુકાદો આપ્યો અને તેને મેડિકલ સીટ આપવાનો નિર્દેશ આપ્યો.

