Robert Duvall Death 2026: ઓસ્કર વિજેતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા રોબર્ટ ડુવેલનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમની પત્ની લુસિયાના ડુવેલ દ્વારા ફેસબુક પર જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, હોલીવુડના આ દિગ્ગજ કલાકારે રવિવારે વર્જિનિયાના મિડલબર્ગ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
લુસિયાના ડુવેલે કહ્યું, “દુનિયા માટે તેઓ એક એકેડેમી એવોર્ડ વિજેતા અભિનેતા, દિગ્દર્શક અને વાર્તાકાર હતા, પરંતુ મારા માટે તેઓ સર્વસ્વ હતા.” તેમણે ઉમેર્યું કે ડુવેલે તેમના દરેક પાત્રમાં સંપૂર્ણ નિષ્ઠા અને માનવીય સંવેદનાઓની સચ્ચાઈ સાથે કામ કર્યું હતું.
કઈ ફિલ્મથી કરી હતી અભિનયની શરૂઆત?
રોબર્ટ ડુવેલે 1962માં ફિલ્મ ‘ટુ કિલ અ મોકિંગબર્ડ’ (To Kill a Mockingbird) માં ‘બૂ રેડલી’ની ભૂમિકાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઘણા યાદગાર પાત્રો ભજવ્યા. તેમને સાત વખત એકેડેમી એવોર્ડ (ઓસ્કર) માટે નામાંકિત કરવામાં આવ્યા હતા અને 1983માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટેન્ડર મર્સિઝ’ (Tender Mercies) માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર મળ્યો હતો. તેમણે ચાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીત્યા હતા.
‘ધ ગોડફાધર’ ફિલ્મે અપાવી મોટી ઓળખ
1972માં રિલીઝ થયેલી ‘ધ ગોડફાધર’ (The Godfather) એ તેમને હોલીવુડના સૌથી લોકપ્રિય કલાકારોમાં સામેલ કરી દીધા. દિગ્દર્શક ફ્રાન્સિસ કોપોલાએ તેમને માફિયા ગાથામાં ‘ટોમ હેગન’ની ભૂમિકા આપી હતી, જેમાં અલ પચીનો અને માર્લોન બ્રાન્ડો પણ મુખ્ય ભૂમિકામાં હતા. ડુવેલે આ પાત્રને અત્યંત ગહનતાથી ભજવ્યું હતું.
હોલીવુડના મહાન અભિનેતાઓમાં નામ નોંધાયેલું છે
કોપોલાની જ ફિલ્મ ‘એપોકેલિપ્સ નાઉ’ (Apocalypse Now) માં તેમણે લેફ્ટનન્ટ કર્નલ બિલ કિલોરનું પ્રભાવશાળી પાત્ર ભજવ્યું હતું, જેનો સંવાદ ‘I love the smell of napalm in the morning’ સિનેમા ઇતિહાસમાં અમર બની ગયો છે. 2005માં ડુવેલને ‘નેશનલ મેડલ ઓફ આર્ટસ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી અને વિવિધતાપૂર્ણ કારકિર્દી ધરાવતા ડુવેલ હોલીવુડના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.

