Pakistan Afghanistan Conflict 2026: પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ફાઈટર જેટે કાબુલના બહારના વિસ્તારમાં સ્થિત બગરામ એરબેઝ પર બોમ્બમારો કર્યો છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર રવિવારે સવારે રાજધાની કાબુલમાં જોરદાર ધડાકા બાદ ગોળીબારનો અવાજ સાંભળવા મળ્યો છે. તાલિબાન શાસને કહ્યું કે તે પાકિસ્તાની ફાઈટર જેટ પર ફાયરિંગ કરી રહ્યું છે. આ ઘટના એવા સમયે બની રહી છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલનો ઈરાન પર હુમલો ચાલુ છે. આ દરમિયાન અફઘાનિસ્તાનની તાલિબાન સેના અને પાકિસ્તાન વચ્ચે લડાઈ તેજ થઈ ગઈ છે.
પાકિસ્તાને ગયા અઠવાડિયે તાલિબાનના શાસન હેઠળના અફઘાનિસ્તાનમાં સરકારી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, તે આ આરોપોને નકારે છે. અફઘાન શહેરો પરના હુમલા બાદ તાલિબાનના અધિકારીઓએ આને ખુલ્લી જંગ ગણાવી છે.
તાલિબાને પાકિસ્તાનના ૧૧૦ સૈનિકો માર્યા
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે પાકિસ્તાને કાબુલની સાથે જ તાલિબાન નેતૃત્વના ગઢ કંધાર અને અન્ય ઘણી જગ્યાઓ પર પણ હુમલા કર્યા. આ હુમલા ઇસ્લામાબાદનો અફઘાનિસ્તાનની સત્તા પર પહેલો સીધો હુમલો હતો. પાકિસ્તાની હુમલાના જવાબમાં તાલિબાને વળતી કાર્યવાહી કરી છે. તાલિબાનના રક્ષા મંત્રાલયે શનિવારે દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસની કાર્યવાહીમાં તેણે પાકિસ્તાનના ૧૧૦ સૈનિકોને માર્યા છે અને ૬૮ ઘાયલ થયા છે.
પાકિસ્તાનની અંદર તાલિબાનનો ડ્રોન હુમલો
એક નિવેદનમાં તાલિબાન રક્ષા મંત્રાલયે કહ્યું કે તેની સેનાઓએ પાકિસ્તાની સૈનિકો સામે સતત ઓપરેશન કર્યું છે અને ૨૭ મિલિટરી પોસ્ટ પર કબજો કરી લીધો છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તાલિબાનના ડ્રોને પાકિસ્તાનની અંદર સૈન્ય સુવિધાઓને નિશાન બનાવી છે.
પાકિસ્તાને પોતાના દાવામાં તાલિબાનને મોટું નુકસાન પહોંચાડવાની વાત કહી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે દાવો કર્યો હતો કે ઇસ્લામાબાદે મિલિટરી ઓપરેશન શરૂ કર્યા પછી ૩૩૧ તાલિબાન સભ્યો માર્યા ગયા છે. શનિવારે એક પોસ્ટમાં તરારે કહ્યું કે ૧૦૪ તાલિબાન ચોકીઓને નષ્ટ કરી દેવામાં આવી છે અને ૨૨ પર કબજો મેળવી લેવામાં આવ્યો છે.

