ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરને અકસ્માત નડયો

Reena Brahmbhatt
2 Min Read

દુબઈ, તા. 19 : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર આજે અકસ્માતનો શિકાર બન્યું હતું. પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં સફર દરમ્યાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ઈરાનની રાજધાની તેહરાનથી 600 કિલોમીટર ઉત્તર પશ્ચિમે જોલ્ફા શહેર પાસે આ ઘટના બની હતી. તેમના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતાં, જે પૈકી બે સલામત પરત ફર્યાં હતાં. રઈસીના હેલિકોપ્ટર સુધી પહોંચવા માટે બચાવ ટીમો રવાના થઈ છે, પણ હજી સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. સ્થાનિક મીડિયાના અમુક અહેવાલોમાં રઈસી સુરક્ષિત હોવાનું પણ જણાવાયું છે.

દરમ્યાન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના પુત્ર હાદી નસરલ્લાહે એવી ધમકી આપી છે કે જો આ ઘટનામાં ઈઝરાયલનો હાથ હોવાના પુરાવા મળ્યા તો અમે દુનિયાનો નકશો બદલી નાખશું. ઈબ્રાહિમ રઈસી આજે અઝરબૈજાનના પ્રવાસે ગયા હતા. આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી આશરે 600 કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાન દેશની સીમાએ સ્થિત શહેર જોલ્ફા નજીક બની હતી. આજે સવારે રઈસીએ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે એક ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું.

- Advertisement -

yivivuviv

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેની અને રઈસીએ ઈઝરાયલ સામે અભૂતપૂર્વ મિસાઈલ હુમલા કર્યાના થોડા દિવસ બાદ આ દુર્ઘટના સર્જાઈ છે. એક મીડિયા અહેવાલ મુજબ રઈસીનાં હેલિકોપ્ટરનાં અકસ્માત પછી રાષ્ટ્રપતિના સહયોગીઓ કેન્દ્રીય મુખ્યાલય સાથે સંપર્કમાં હતા, જેના હિસાબે આ અકસ્માતમાં કોઈ હતાહત ન થયા હોવાની ધરપત મળી હતી. રાષ્ટ્રપતિ રઈસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતાં અને તેમાંથી બેમાં મંત્રી અને અધિકારીઓ સવાર હતા. જો કે રાષ્ટ્રપતિ સિવાયનાં બીજા બન્ને હેલિકોપ્ટર પોતાનાં ગંતવ્ય સ્થાનો ઉપર પહોંચી ગયાં હતાં. રાષ્ટ્રપતિનાં હેલિકોપ્ટરના અકસ્માતની સૂચના મળતાં જ રેડ ક્રિસેન્ટની બચાવ ટીમો અને સૈન્ય હેલિકોપ્ટરે વ્યાપક શોધખોળ અભિયાન ઉપાડી લીધું હતું.

- Advertisement -

તેમનું હેલિકોપ્ટર જે સ્થાને ઉતારવામાં આવ્યું ત્યાં ગાઢ ધુમ્મસનાં કારણે હેલિકોપ્ટરનું સ્થાન તાત્કાલિક જાણી શકાયું નહોતું. દુર્ઘટના પછી રાષ્ટ્રપતિના એક સાથીદારે કેન્દ્રીય મુખ્યાલયને ફોન કોલ કરતાં જોવા મળેલા અને તેના હિસાબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ એવો દાવો કરાયો છે. સરકારી ટીવી ચેનલમાં જાણવા મળેલી વિગતો અનુસાર બચાવદળ ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરે છે, પણ ખરાબ હવામાનનાં કારણે તેમાં વિક્ષેપો આવ્યા હતા. હેલિકોપ્ટરનું જ્યાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તે જંગલ વિસ્તાર હોવાનું કહેવાય છે.

Share This Article