ભારતીય ટીમ 25મીએ ટી20 વિશ્વકપ માટે રવાના થશે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 18 : આઇપીએલ 2024 પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે અને અમુક દિવસની અંદર જ ચેમ્પિયન નક્કી થઈ જશે. આઇપીએલની જારી સિઝનથી બહાર થઈ ચૂકેલી અમુક ટીમમાં ભારતીય ખેલાડી પણ સામેલ હતા, જે હવે આગામી ટી20 વિશ્વકપની તૈયારી શરૂ કરવાના છે. ભારતના મોટાભાગના ક્રિકેટર અને સહયોગી સ્ટાફ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થનારા ટી20 વિશ્વકપ માટે 25 મેના ન્યૂયોર્ક જવા માટે રવાના થશે, જ્યારે બાકીના ખેલાડીઓ 26 મેના આઇપીએલ ફાઇનલ બાદ રવાના થશે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક દિવસ અગાઉ કહ્યું હતું કે, વિશ્વકપના સ્થળની સ્થિતિમાં અનુકુળ બનવા માટે ખેલાડીઓને યોગ્ય સમય મળી રહેશે. જો કે, જે ખેલાડીઓ ફાઇનલ રમીને આવશે, તેના માટે પરિસ્થિતિ થોડી અલગ રહેવાની છે. આ પહેલાં આઇપીએલ પ્લેઓફ માટે ક્વોલિફાય ન કરી શકેલી ટીમના સભ્યો 21મી મેના રવાના થવાના હતા. જો કે, બાદમાં યોજનામાં બદલાવ થયો હતો અને હવે 25મી મેના ખેલાડીઓ ન્યૂયોર્ક જવા માટે રવાના થશે.

- Advertisement -

Cricket ball GM

બીસીસીઆઇ સૂત્રોના કહેવા પ્રમાણે રોહિત શર્મા, હાર્દિક પંડયા, રિષભ પંત, અર્શદીપ સિંહ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને સહયોગી સ્ટાફ 25 મેના રવાના થશે, જ્યારે આઇપીએલ ફાઇનલ રમનારા ખેલાડીઓ બાદમાં જશે. ટી20 વિશ્વકપમાં ભારતની પહેલી મેચ પાંચમી જૂને આયર્લેન્ડ સામે અને નવમી જૂને પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમ એકમાત્ર અભ્યાસ મેચ બાંગલાદેશ સામે પહેલી જૂને રમશે. તેવામાં ખેલાડીઓને થોડો વધુ સમય મળી રહેશે. રોહિત શર્માએ ટીમના એલાન બાદ કહ્યું હતું કે, ટી20 વિશ્વકપ માટે 70 ટકા ટીમ આઇપીએલ સત્ર પહેલાં જ પસંદ કરી લેવામાં આવી હતી. આઇપીએલ સત્ર દરમ્યાન પ્રદર્શનમાં ઉતારચડાવ આવતા રહે છે, પણ તેના ઉપર વધારે ધ્યાન દેવામાં આવ્યું નહોતું. આઇપીએલ સત્ર પહેલાં જ વિશ્વકપ ટીમના 70 ટકા ખેલાડીઓને પોતાની ભૂમિકાની જાણકારી હતી.

- Advertisement -
Share This Article