Uncontested Election Results Gujarat: ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ‘બિનહરીફ’ વિજેતા થવાનો ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે, જે લોકશાહીની મૂળ ભાવના સામે સવાલ ઊભા કરે છે. જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે, ત્યારે તે વિસ્તારના મતદારોને મતદાન કરવાનો અને પોતાની પસંદગી કે નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છીનવાઈ જાય છે. રાજકીય પક્ષો હવે જનતા વચ્ચે જઈને હાથ જોડવાને બદલે અંદરોઅંદર સેટિંગ કરીને અથવા વિરોધ પક્ષના ફોર્મ રદ કરાવીને વગર મહેનતે સત્તા મેળવવાનું આ હથિયાર અજમાવી રહ્યા છે. આ પદ્ધતિથી ઉમેદવાર તો જીતી જાય છે, પરંતુ પ્રજાના પ્રશ્નો અને તેમનો અવાજ દબાઈ જાય છે.
૨૦૨૧ના આંકડા અને વર્તમાન ચૂંટણીની સ્થિતિ
વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડા જોઈએ તો ચોંકી જવાય તેમ છે. તે સમયે કુલ ૮૨૩૫ બેઠકોમાંથી ૨૩૭ ઉમેદવારો મતદાન વિના જ વિજેતા બન્યા હતા, જેમાં સૌથી વધુ ૨૦૦ જેટલા ઉમેદવારો એકલા ભાજપના હતા. ચાલુ વર્ષે ૨૦૨૬ની ચૂંટણીમાં પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૬૭ જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. નવસારી જિલ્લા પંચાયતની દેવસર, બિગરી અને ઘેજ જેવી બેઠકો તેમજ ગણદેવી તાલુકા પંચાયતની અનેક બેઠકો પર ચૂંટણી યોજાયા વગર જ સત્તાના સમીકરણો નક્કી થઈ ગયા છે.
સેટિંગ અને છેલ્લી ઘડીના નાટકો
બિનહરીફ થવા પાછળ માત્ર લોકપ્રિયતા જ કારણભૂત નથી હોતી, પરંતુ ઘણીવાર તેની પાછળ મોટા રાજકીય ખેલ ખેલાતા હોય છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અનેક ઉમેદવારો રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે અથવા છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાનો ઈનકાર કરી દે છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં કોંગ્રેસના ઓબીસી ઉમેદવારે પક્ષનો મેન્ડેટ હોવા છતાં છેલ્લી ઘડી સુધી ફોર્મ ભર્યું નહીં અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આવા કિસ્સાઓમાં વિરોધ પક્ષના ઉમેદવારોને લાલચ આપીને કે ડરાવીને બેઠક ખાલી કરાવવાની વ્યૂહરચના મતદારો સાથે છેતરપિંડી સમાન છે.
પ્રજાના મતાધિકાર પર તરાપ અને રાજકીય જવાબદારી
જ્યારે ચૂંટણી જ ન થાય ત્યારે જે તે વિસ્તારના પ્રતિનિધિ પ્રજા પ્રત્યે જવાબદાર રહેતા નથી, કારણ કે તેમને ખબર છે કે તેમને જીતવા માટે જનતાના મતોની જરૂર પડી નથી. આનાથી નેતાઓમાં ઉદ્ધતતા વધે છે અને લોકશાહીના પાયા નબળા પડે છે. જો રાજકીય પક્ષો આ જ રીતે બિનહરીફ જીતવાનો આગ્રહ રાખશે, તો ભવિષ્યમાં મતદાન જેવી પવિત્ર પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બનીને રહી જશે. મતદારોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે કે તેમનો મતાધિકાર એ જ તેમનો સાચો પાવર છે, અને તેને છીનવી લેનારા સેટિંગબાજ નેતાઓ સામે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે.

