નવી દિલ્હીમાં 4 ફેબ્રુઆરીથી યોજાશે Bharat Mobility Global Expo 2027, 50થી વધુ દેશો લેશે ભાગ

Arati Parmar
3 Min Read
Bharat Mobility Global Expo 2027

Bharat Mobility Global Expo 2027: ભારતીય ઓટોમોબાઇલ અને મોબિલિટી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા જાહેર કરાયેલા આ વિશાળ પ્રદર્શનનું આયોજન ‘Smarter Mobility For A Better Tomorrow’ (વધુ સારા આવતીકાલ માટે સ્માર્ટ મોબિલિટી) વિષય હેઠળ કરવામાં આવી રહ્યું છે. વાહનોનો આ મહાકુંભ 4થી 9 ફેબ્રુઆરી 2027 દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હીમાં યોજાશે. વિશ્વના સૌથી મોટા મોબિલિટી પ્રદર્શનોમાં સ્થાન મેળવવા જઈ રહેલા આ એક્સ્પોમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની, ઇટાલી, મેક્સિકો, શ્રીલંકા, સ્પેન અને તાઇવાન સહિત 50થી વધુ દેશોના 1,750થી વધુ પ્રદર્શકો અને બ્રાન્ડ્સ ભાગ લેશે. તેઓ નવાં વાહનો, ટેક્નોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારીઓ રજૂ કરશે.

દિલ્હીનાં બે સ્થળોએ એકસાથે યોજાશે મોબિલિટીનો મહાકુંભ

  • ભારત મોબિલિટી એક્સ્પો 2027ને અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક પ્રદર્શન બનાવવા માટે તેને દિલ્હીનાં બે મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કેન્દ્રો- ભારત મંડપમ (પ્રગતિ મેદાન) અને યશોભૂમિ (દ્વારકા)માં વહેંચવામાં આવ્યું છે.

  • ભારત મંડપમમાં આ આયોજન 6 દિવસ સુધી, એટલે કે 4થી 9 ફેબ્રુઆરી 2027 દરમિયાન ચાલશે, જ્યારે યશોભૂમિમાં 4 દિવસનું પ્રદર્શન 4થી 7 ફેબ્રુઆરી 2027 સુધી યોજાશે.

  • આ બે સ્થળોની વ્યવસ્થાથી વૈશ્વિક મુલાકાતીઓ અને ફ્લીટ ઓપરેટર્સને પેસેન્જર વાહનોથી લઈને કોમર્શિયલ તથા ભવિષ્યની મોબિલિટી સુધીની તમામ બાબતો જોવાની વધુ સારી તક મળશે.

ભારત મંડપમનાં મુખ્ય આકર્ષણો: ‘ઓટો એક્સ્પો- ધ મોટર શો 2027’ અને ઈવી પેવેલિયન

  • ભારત મંડપમમાં વાહન ઉદ્યોગના સૌથી વધુ રાહ જોવાતા પ્રદર્શન ‘ઓટો એક્સ્પો– ધ મોટર શો 2027’નું આયોજન કરવામાં આવશે. અહીં દેશની અગ્રણી અને વૈશ્વિક કાર તથા ટૂ-વ્હીલર ઉત્પાદક કંપનીઓ પોતાની નવી કાર, બાઇક અને કૉન્સેપ્ટ વ્હીકલ રજૂ કરશે.

  • આ ઉપરાંત અહીં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટાયર શો 2027, ભારત બેટરી શો 2027, ઇન્ડિયા સાઇકલ શો 2027, મોબિલિટી ટેક પેવેલિયન અને સ્ટીલ એન્ડ એડવાન્સ્ડ મટિરિયલ્સ પેવેલિયનનું પણ આયોજન થશે. અહીં ઇલેક્ટ્રિક વાહનો, ક્લીન એનર્જી અને અદ્યતન બેટરી પેક રજૂ કરવામાં આવશે.

યશોભૂમિમાં કમ્પોનન્ટ્સ, એગ્રો અને એર મોબિલિટી એક્સ્પોનું આકર્ષણ

દિલ્હીના દ્વારકામાં આવેલા યશોભૂમિ કોમ્પ્લેક્સમાં ઓટોમોબાઇલ કમ્પોનન્ટ્સ, ભારે મશીનરી અને ભવિષ્યની મોબિલિટી ટેક્નોલોજી રજૂ કરવામાં આવશે. અહીં ધ કમ્પોનન્ટ્સ એન્ડ ટેક્નોલોજી શો 2027, ભારત કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એક્સ્પો 2027, એગ્રી મોબિલિટી એન્ડ ટેક્નોલોજી એક્સ્પો 2027, એર મોબિલિટી એક્સ્પો 2027 અને મેટ્રો એન્ડ અર્બન માસ ટ્રાન્ઝિટ એક્સ્પો 2027 યોજાશે. આ પેવેલિયન સપ્લાયર્સ, પાર્ટ્સ ઉત્પાદકો, એગ્રી-વ્હીકલ ઉત્પાદકો અને શહેરી પરિવહન ટેક્નોલોજી વિકસાવતી કંપનીઓ માટે વ્યૂહાત્મક ભાગીદારીનું મોટું માધ્યમ બનશે.

- Advertisement -

વૈશ્વિક ભાગીદારો, 200થી વધુ પરિષદો અને ભવિષ્યની રૂપરેખા

  • ભારત મોબિલિટી એક્સ્પો 2027ને SIAM, ACMA, CII અને NASSCOM જેવા ભારતનાં અગ્રણી ઉદ્યોગ સંગઠનોનું સમર્થન મળ્યું છે. એક્સ્પો દરમિયાન માત્ર વાહનોનું પ્રદર્શન જ નહીં થાય, પરંતુ 200થી વધુ ઉચ્ચ સ્તરની પરિષદો, B2B બેઠકો અને નીતિ સંબંધિત ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવશે.

  • અમેરિકા, ચીન, જાપાન, જર્મની, ઇટાલી અને તાઇવાન જેવા મોબિલિટી ક્ષેત્રના અગ્રણી દેશોની સીધી ભાગીદારીથી ભારતને વૈશ્વિક મોબિલિટી ઉત્પાદન અને સપ્લાય ચેઇન કેન્દ્ર તરીકે વધુ મજબૂતી મળશે.

Share This Article