Maruti Suzuki e-VITARA Export: મારુતિ સુઝુકી e-VITARA ઇલેક્ટ્રિક SUV ની નિકાસ 50,000 યુનિટને પાર, ભારતના EV નિકાસ બજારમાં 93% હિસ્સો

Arati Parmar
2 Min Read

Maruti Suzuki e-VITARA Export: મારુતિ સુઝુકીએ ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં પણ મોટી સફળતા મેળવી છે અને તેનો સંબંધ ભારતીય બજાર સાથે નહીં, પરંતુ નિકાસ સાથે છે. મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક SUV e-VITARA એ એક વર્ષમાં 50,000 યુનિટની નિકાસનો આંકડો પાર કર્યો છે. આ ઐતિહાસિક સફળતાનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનો હાંસલપુર પ્લાન્ટ છે, જે સુઝુકીના પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન e-VITARA માટે વિશિષ્ટ ઉત્પાદન કેન્દ્ર છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા તાજેતરમાં વધીને 10 લાખ વાહનો થઈ છે.

મારુતિ સુઝુકીએ ભારતમાંથી ઇલેક્ટ્રિક કારની નિકાસમાં મજબૂત સરસાઈ મેળવી છે.

- Advertisement -

નાણાકીય વર્ષ 2025-26માં ભારતની નંબર-1 EV નિકાસકાર બન્યા પછી કંપનીએ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતની કુલ પેસેન્જર EV નિકાસમાં આશરે 93% બજાર હિસ્સા સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

યુરોપ મારુતિ સુઝુકી માટે સૌથી મોટું નિકાસ બજાર છે. હાલમાં કંપનીનાં EV બ્રિટન, નૉર્વે, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ સહિત આશરે 50 દેશોમાં નિકાસ થાય છે.

- Advertisement -

આ નિકાસ સફળતાનો મુખ્ય આધાર ગુજરાતનો હાંસલપુર ઉત્પાદન પ્લાન્ટ છે. ઑગસ્ટ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુરમાં e-VITARA ના ઉત્પાદનનો પ્રારંભ કર્યો હતો અને મારુતિ સુઝુકીને મેક ઇન ઇન્ડિયા પહેલનો બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યો હતો.

આશરે ₹25,288.7 કરોડના રોકાણથી બનેલા આ પ્લાન્ટે તાજેતરમાં વાર્ષિક 10 લાખ વાહનોની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીની કુલ વિદેશી શિપમેન્ટમાં હાંસલપુરનો હિસ્સો આશરે અડધો રહ્યો હતો.

- Advertisement -

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી ટેકેઉચીએ જણાવ્યું કે 50,000 EVની નિકાસનો આ મહત્ત્વપૂર્ણ પડાવ ભારતની અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ અને તેની વધતી વૈશ્વિક સ્પર્ધાત્મકતા દર્શાવે છે.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યાત્રા આજે 50 દેશો સુધી પહોંચી છે અને વૈશ્વિક મંચ પર ભારતીય ગુણવત્તાને ઓળખ અપાવી રહી છે.

માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ નહીં, પરંતુ કુલ પેસેન્જર વાહનોની નિકાસમાં પણ મારુતિ સુઝુકીનું વર્ચસ્વ યથાવત્ છે. કંપની સતત છેલ્લાં 5 વર્ષથી ભારતની સૌથી મોટી પેસેન્જર વાહન નિકાસકાર બની રહી છે.

એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતમાંથી નિકાસ કરાયેલી કુલ પેસેન્જર કારમાં 50%થી વધુ હિસ્સો મારુતિ સુઝુકીનો રહ્યો હતો. હાલમાં કંપની પોતાના કુલ 16 મોડલ વિશ્વના આશરે 120 દેશોમાં નિકાસ કરે છે.

Share This Article