નૂતન ભારત તરફ `નવલું’ પ્રસ્થાન

Reena Brahmbhatt
9 Min Read

નવી દિલ્હી, તા. 23 : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સતત સાતમી વાર રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં યુવાઓને રોજગાર અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને આગામી પાંચ વર્ષ માટે રોજગાર સૃજન માટે રૂા. બે લાખ કરોડ જેટલી જોગવાઇઓ જાહેર કરાઇ હતી. મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટમાં કિસાનો, મહિલાઓને પણ પ્રાધાન્ય અપાયું હતું તો નોકરિયાતો-મધ્યમવર્ગને સામાન્ય રાહત અપાઇ હતી અને કરવેરાના માળખામાં અમુક ફેરફાર સાથે સ્ટાન્ડર્ડ ડિડકશનની મર્યાદા રૂા. 25000ના વધારા સાથે રૂા 75000 કરાઇ છે જે કરદાતા નવું કરમાળખું સ્વીકારે તો તેને હવે રૂા. 7 લાખને બદલે રૂા. 7.50 લાખની આવક સુધી કોઇ ટેક્સ ચૂકવવો નહીં પડે માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે સૌથી વધુ રૂા. 11.11 લાખ કરોડની ફાળવણી કરાઇ છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપને ધારી બેઠકો નહીં મળ્યા બાદ એનડીએના સહયોગી પક્ષો જેડી-યુ અને ટીડીપીના દબાણ હેઠળ બિહારને રૂા. 58900 કરોડ તો આંધ્ર પ્રદેશને રૂા. 15000 કરોડની ભેટ મળી હતી. સરકારે સોના-ચાંદી પર કસ્ટમ ડયૂટી ઘટાડીને છ ટકા કરી હતી પણ લોંગટર્મ ને શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન ટેક્સમાં વધારો કર્યો હતો. તો સ્ટાર્ટઅપમાં રોકાણકારોના નાણાં પરનો એન્જેલ ટેક્સ રદ કર્યો હતો. નાણામંત્રીએ પીએમ ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ લંબાવવાની જાહેરાત કરી હતી.

nirmala sitharaman

- Advertisement -

બજેટમાં આરોગ્ય ક્ષેત્રને ઓછી ફાળવણી નિરાશાજનક હતી. 2047માં સમૃદ્ધ ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં નિર્મલા સીતારામને બજેટમાં નવ મુદ્દા પર વિશેષ ભાર મૂક્યો છે. જેમાં ઉત્પાદકતા, રોજગાર, કૌશલ્ય વિકાસ, નવાચાર સંશોધન વગેરેનો સમાવેશ થાય છે. વચગાળાનાં બજેટમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર ગરીબો, મહિલાઓ, યુવાનો અને કિસાનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. વર્ષ 2024 માટે બજેટનાં ભાષણના આરંભે સીતારામને કહ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રોની તુલનામાં ભારતમાં ફુગાવો ઓછો અને સ્થિર છે. દુનિયાનાં અર્થતંત્રમાં હજી પણ અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે. તેની સામે ભારતમાં નાણાકીય ખાધ જીડીપીના 4.9 ટકા છે અને તેનું લક્ષ્ય 4.પ ટકા સુધી ઘટાડવાનું છે. એલાન કર્યુ હતું કે, આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે ફાળવણી 1.પ2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે.

નાણામંત્રીએ કિસાનો ઉપરાંત યુવાનો માટે ઘોષણાઓ કરતાં કહ્યું હતું કે, તેમને 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે પાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય અવસરોની સુવિધા માટે પાંચ યોજના અને પહેલની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. આ વર્ષે આપણે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત છાત્રો માટે મોટા એલાન નાણામંત્રીએ કહ્યું હતું કે, શિક્ષણ ઋણ માટે ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચશિક્ષણ માટે 10 લાખ કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. સરકાર પ00 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનને તાલીમના અવસર પ્રદાન કરાવવા માટે યોજના પણ શરૂ કરશે. જેમાં પ હજાર રૂપિયા પ્રતિમાસ ઈન્ટર્નશિપ ભથ્થુ અને 6 હજાર રૂપિયાની સહાયતા કરવામાં આવશે. કામ કરતી મહિલાઓનાં હિતોને ધ્યાને રાખતા નાણામંત્રીએ કહ્યું હતું કે, તેમના માટે છાત્રાલય બનાવવામાં આવશે. કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે.

- Advertisement -

પોતાના બજેટમાં સીતારમણે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની દિશામાં પણ અનેક મોટા એલાન કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, 2પ000 ગ્રામીણ વસ્તીઓને તમામ ઋતુને અનુકૂળ સડકો પ્રદાન કરવા માટે પીએમ ગ્રામ સડક યોજનાનાં ચોથા ચરણનો આરંભ કરવામાં આવશે. અમૃતસર-કોલકતા ઔદ્યોગિક કોરિડોર ઉપર સરકાર બિહારનાં ગયામાં ઔદ્યોગિક વિકાસને સમર્થન આપશે. જેનાથી પૂર્વી ક્ષેત્રના વિકાસને ગતિ મળશે. આ ઉપરાંત સડક સંપર્ક પરિયોજનાઓનાં વિકાસમાં પણ સહયોગ આપવામાં આવશે. પટણા-પૂર્ણિયા એક્સપ્રેસ-વે, બક્સર-ભાગલપુર રાજમાર્ગ, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા અને બક્સરમાં ગંગા નદી ઉપર 26 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી ડબલ લેન પુલ બનાવવામાં આવશે. આ કેન્દ્રીય બજેટમાં બિહાર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવેલું છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ત્યાં અવારનવાર પૂર આવતા રહે છે. નેપાળમાં પૂર નિયંત્રણ માળખાનાં નિર્માણની યોજના પણ હજી સુધી આગળ વધી શકી નથી. અમારી સરકાર 11પ00 કરોડ રૂપિયાનાં અંદાજિત ખર્ચથી તેમાં નાણાકીય સહાય પ્રદાન કરશે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ માટે પણ પુનર્નિમાણ અને પુનર્વિકાસ સહાયતાની ઘોષણા કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશને ગત વર્ષે પૂરનાં કારણે પારાવાર નુકસાન થયું છે. સરકાર બહુપક્ષીય વિકાસ સહાયતાનાં માધ્યમથી રાજ્યનાં પુનર્નિમાણ અને પુનર્વિકાસ માટે સહાયતા આપશે.

આ ઉપરાંત ઉત્તરાખંડને પણ આવી જ સહાયતા આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, પર્યટન હંમેશા આપણી સભ્યતાનો હિસ્સો રહ્યું છે. ભારતને વૈશ્વિક ગંતવ્ય તરીકે સ્થાપિત કરવાનાં પ્રયાસોથી રોજગાર અને અવસર પેદા થશે. તેથી ગયામાં વિષ્ણુપથ મંદિર અને બોધગયામાં મહાબોધિ મંદિરનાં આધ્યાત્મિક મહત્વને ધ્યાને રાખતા કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ ઉપર તેને વિકસિત કરવામાં આવશે. જેથી પર્યટનને વેગ મળે. બિહારમાં રાજગીર અને નાલંદા માટે પણ વ્યાપક વિકાસ યોજનાની પહેલ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ઓરિસ્સામાં પ્રાકૃતિક સુંદરતા, મંદિર, શિલ્પકળા, પ્રાકૃતિક પરિદૃશ્ય, વન્યજીવ અભયારણ્ય અને પ્રાચીન સમુદ્ર તટ છે. તેને વિકસાવવામાં આવશે. નીતિશ કુમારનાં જેડીયુની માફક આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું પણ મોદી સરકારને સમર્થન છે. જેને પગલે બજેટમાં તેનાં ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવેલું દેખાય છે. આંધ્રપ્રદેશનાં પુનર્ગઠન અધિનિયમમાં પ્રતિબદ્ધતાઓને પૂરા કરવાના પ્રયાસો સરકારે કર્યા છે તેવું નાણામંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની મૂડીની આવશ્યકતાઓને ધ્યાને રાખતા બહુપક્ષીય એજન્સીનાં માધ્યમથી વિશેષ નાણાકીય સહાયતાની સુવિધા આપવામાં આવશે.

- Advertisement -

ચાલુ નાણાકીય વર્ષમાં ભવિષ્યનાં વર્ષોની વધારાની રકમની રાશિની સાથે 1પ હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવશે. વૈશ્ચિક પરિદૃશ્યને ધ્યાને રાખીને નાણામંત્રીએ કહ્યું હતું કે, સરકાર સ્પેસ ઈકોનોમી માટે 1000 કરોડ રૂપિયાનાં ઉદ્યમ મૂડી કોષ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. જેનાં ઉપર સમગ્ર દેશનાં મધ્યમવર્ગની નજર હતી તેવી પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની ઘોષણા કરતાં નાણામંત્રીએ નવી કર વ્યવસ્થા અપનાવનાર પગારદાર કર્મચારીઓને પણ ભેટ આપી હતી અને સ્ટાન્ડર્ડ ડિડક્શન પ0 હજાર રૂપિયા વધારીને 7પ000 રૂપિયા કર્યું છે. નવા કરમાળખામાં વ્યક્તિગત આવકવેરા દરો ઉપર ઘોષણા કરતાં સ્લેબમાં ફેરફાર જાહેર કર્યા હતાં. જેમાં ત્રણ લાખ રૂપિયા સુધીની આવક ઉપર શૂન્ય, 3થી 7 લાખની આવક ઉપર પ ટકા, 7થી 10 લાખ રૂપિયાની આવક ઉપર 10 ટકા, 10થી 13 લાખની આવક ઉપર 1પ ટકા, 12થી 1પ લાખની આવક ઉપર 20 ટકા અને 1પ લાખથી વધુ આવક ઉપર 30 ટકા આવકવેરાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એમએસએમઈને ટર્મલોનની સુવિધા માટે ઋણ ગેરેન્ટી યોજનાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ યોજના એમએસએમઈને ઋણ જોખમો ઘટાડવા માટે કામ કરશે. સ્વનિર્ભર ગેરેન્ટી નિધિ પ્રત્યેક આવેદકને 100 કરોડ રૂપિયા સુધી રક્ષણ પ્રદાન કરશે. રોજગાર સંબંધિત ત્રણ યોજનાની જાહેરાત પણ નાણામંત્રીએ કરી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)માં નોંધણી આધારિત રહેશે. પહેલી યોજનામાં તમામ ક્ષેત્રનાં કર્મચારીઓનાં પ્રવેશ સાથે એક માસનું વેતન ચૂકવાશે. બીજી યોજનામાં પહેલીવાર કામે લાગતા કર્મચારીને રોજગાર સંબંધિત ક્ષેત્રમાં અતિરિક્ત રોજગાર માટે પ્રોત્સાહિત કરાશે. રોજગારનાં પ્રથમ ચાર વર્ષમાં ઈપીએફઓ અંશદાનનાં સંબંધમાં કર્મચારી અને નિયુક્તાને સીધા પ્રોત્સાહક અપાશે. આ યોજનાથી 30 લાખ યુવાનો અને તેમનાં માલિકોને લાભ મળવાની આશા છે. એક લાખ રૂપિયા સુધી માસિક વેતન અંતર્ગત તમામ વધારાનાં રોજગારોને આમાં ધ્યાને લેવામાં આવશે. સરકાર પ્રત્યેક વધારાનાં કર્મચારી માટે ઈપીએફઓ અંશદાન તરીકે નિયુક્તાને બે વર્ષ સુધી માસિક 3 હજાર રૂપિયાની પ્રતિપૂર્તિ આપશે. તમામ ઔપચારિક ક્ષેત્રમાં નવા કાર્યસ્થળે પ્રવેશ કરતા કર્મચારીને એક માસનું વેતન ચૂકવવામાં આવશે.

ઈપીએફઓમાં પહેલીવાર નોંધાયેલા કર્મચારીને ત્રણ હપ્તામાં એક માસનું 1પ હજાર રૂપિયા સુધીનું વેતન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનાં માધ્યમથી આપવામાં આવશે. આ યોજનાથી 210 લાખ યુવાનોને લાભ મળી શકશે. શહેરી આવાસ, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 હેઠળ 10 લાખ કરોડ રૂપિયાનાં રોકાણથી 1 કરોડ ગરીબો અને મધ્યમવર્ગનાં પરિવારોને આવાસ પૂરા પાડવામાં આવશે. આમાં આગામી પાંચ વર્ષમાં 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા સામેલ છે. નિશુલ્ક સૌર વીજળી યોજના ઉપર સીતારમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આમાં 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકશે. મજબૂત બુનિયાદી ઢાંચાનાં નિર્માણ માટે મહત્વપૂર્ણ રોકાણોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મૂડીગત ખર્ચ પેટે 11 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે જીડીપીનાં 3.4 ટકા જેટલો ખર્ચ થશે.

Share This Article