મુંબઈ, તા. 25 : ભારતીય શેર બજારમાં 25 ઓક્ટોબરના પણ મોટો ઘટાડો આવ્યો હતો. સેંસેક્સ 662 અંક ઘટયો હતો. જ્યારે નિફ્ટી તૂટીને 24200ની નીચે આવી હતી. જેના કારણે રોકાણકારોના અંદાજીત 6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા. સતત પાંચમા દિવસે સેંસેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા.
એફઆઈઆઈ તરફથી સતત વેચવાલી, સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના પરિણામ અને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતાએ બજારને અસર કરી છે. બ્રોડર માર્કેટમાં વધારે કડાકો બોલ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સે 1.48 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સે 2.44 ટકાની ડૂબકી મારી હતી. એફએમસીજીને છોડીને તમામ સેક્ટોરલ માર્કેટ લાલ નિશાનમાં બંધ થયા હતા. કારોબારના અંતમાં બીએસઈ સેંસેક્સ 662.84 અંક એટલે કે 0.83 ટકાના ઘટાડા સાથે 79,402.29ના સ્તરે બંધ થયો હતો.
જ્યારે એનએસઈના 50 શેરનો ઈન્ડેક્સ નિફટી, 218.60 અંક એટલે કે 0.90 ટકા તૂટીને 24,180.80ના સ્તરે બંધ થયો હતો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી 25 ઓક્ટોબરના ઘટીને 437.43 લાખ કરોડે પહોંચી હતી. જે ગુરુવારે 443.79 લાખ કરોડ હતી. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 6.36 લાખ કરોડ રૂપિયા ઘટી હતી. આઈટીસીના શેરમાં સૌથી વધારે 2.17 ટકાની તેજી રહી હતી. ત્યારબાદ એક્સિસ બેંક, હિંદૂસ્તાન યુનિલિવર, સન ફાર્મા અને કોટ મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે.
સેંસેક્સના બાકી 21 શેર કડાકા સાથે બંધ થયા હતા. જેમાં ઈન્ડસઈન્ડ બેંકનો શેર 18.56 ટકાના ઘટાડા સાથે ટોપ લુઝર રહ્યો હતો. બીએસઈ ઉપર 4021 શેરમા કારોબાર થયો હતો. જેમાં 3088 શેરમાં ઘટાડો થયો હતો. જ્યારે 853 શેર તેજી સાથે બંધ થયા હતા.

