Adani Airline: અદાણી ગ્રુપે તેવા અહેવાલોનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રુપ એરલાઇન શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝેઝે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું કે એરલાઇન બિઝનેસમાં પ્રવેશ કરવા અંગેના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને તથ્યાત્મક રીતે ખોટા છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે એરલાઇન બિઝનેસમાં પ્રવેશ કરવા અંગેના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.
તાજેતરમાં આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ એરલાઇન શરૂ કરી શકે છે અને તેના માટે તેણે સરકારને નિયમોમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. આ નિયમ દિલ્હી અને મુંબઈ એરપોર્ટના ઓપરેટરોને કોઈ પણ શેડ્યૂલ્ડ એરલાઇનમાં 10%થી વધુ હિસ્સેદારી રાખવાથી રોકે છે. અદાણી ગ્રુપ દેશનો સૌથી મોટો એરપોર્ટ ઓપરેટર છે. એવી અટકળો હતી કે સરકાર એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વર્ચસ્વને ઘટાડવા માટે આ નિયમમાં ફેરફાર કરવા અંગે વિચાર કરી રહી છે.
એરલાઇનનો વિરોધ
જોકે, એરલાઇન કંપનીઓએ તેનો વિરોધ કર્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના MD રાહુલ ભાટિયાએ ગુરુવારે જણાવ્યું કે એરપોર્ટ ઓપરેટરોને એરલાઇનના માલિક બનવાની મંજૂરી આપવાથી હિતોનો ગંભીર ટકરાવ સર્જાશે અને તેનાથી ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. જોકે સરકારી અધિકારીઓનું કહેવું છે કે કોઈપણ ફેરફારમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે.
ભારત અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર છે અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત આઠ એરપોર્ટનું સંચાલન કરે છે. સાથે જ તે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ વિકાસ કરી રહ્યું છે. ગ્રુપે છેલ્લા કેટલાક વર્ષોમાં એવિએશન વેલ્યૂ ચેઇનમાં પોતાની હાજરી સતત વિસ્તારી છે. જોકે ગ્રુપે એરલાઇન બિઝનેસમાં પ્રવેશ કરવાની કોઈપણ યોજનાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

