Air Safety Ranking: તાજેતરમાં Flydubaiના વિમાનમાં બનેલી ઘટનાએ એર સેફ્ટીની દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સવાલ ઊભો થાય છે કે એર સેફ્ટીના મામલે કયો દેશ સૌથી ઉપર છે. સામાન્ય રીતે એર સેફ્ટીને દેશ-વિશેષની રાષ્ટ્રીય દેખરેખ સંસ્થાઓ અને ગ્લોબલ એરલાઇન રેન્કિંગના આધારે માપવામાં આવે છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાને સૌથી આગળ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયાની કોઈ એરલાઇન સાથે તાજેતરના વર્ષોમાં કોઈ મોટો અકસ્માત થયો નથી. આ લિસ્ટમાં UAE, હોંગકોંગ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો પણ ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સમાં સતત સૌથી આગળ રહે છે.
ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી તાકાત તેની એવિએશન એજન્સી સિવિલ એવિએશન સેફ્ટી ઓથોરિટી (CASA) છે. ઓસ્ટ્રેલિયાની Qantas એરવેઝને ઘણીવાર દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઇન માનવામાં આવે છે. વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘રેન મેન’માં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ એરલાઇનનું કોઈપણ વિમાન ક્યારેય ક્રેશ થયું નથી. Qantasનો છેલ્લો જીવલેણ અકસ્માત 16 જુલાઈ, 1951ના રોજ થયો હતો. કંપનીનું એક વિમાન પાપુઆ ન્યૂ ગિનીમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા.
75 વર્ષનો રેકોર્ડ
પરંતુ 1952માં કમર્શિયલ વિમાનોમાં પ્રોપેલરની જગ્યાએ જેટ એન્જિન લગાવવાનું શરૂ થયા બાદથી Qantasના વિમાનોમાં કોઈ જીવલેણ અકસ્માત થયો નથી. 23 સપ્ટેમ્બર, 1999ના રોજ બેન્કોક એરપોર્ટ પર ભારે વરસાદ અને તોફાન દરમિયાન એરલાઇનનું વિમાન રનવેથી આગળ નીકળી ગયું હતું, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ જ રીતે 25 જુલાઈ, 2008ના રોજ સાઉથ ચાઇના સી ઉપર એક વિમાનમાં અચાનક હવાનું દબાણ ઝડપથી ઘટી ગયું હતું. પ્લેનને સુરક્ષિત રીતે મનીલા ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
આ જ રીતે 7 ઓક્ટોબર, 2008ના રોજ ઇનર્શિયલ રેફરન્સ યુનિટમાંથી ડેટામાં ખામીના કારણે અચાનક બે વખત પ્લેનનો આગળનો ભાગ નીચે તરફ ઝૂકી ગયો હતો. તેનાથી અનેક મુસાફરો અને ક્રૂ સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ પાઇલટ્સે વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું. 4 નવેમ્બર, 2010ના રોજ એક વિમાનમાં ઇન્ડોનેશિયાના બાટમ ટાપુની ઉપર ખામી સર્જાઈ હતી, પરંતુ ક્રૂએ કોઈ નુકસાન વિના સિંગાપોરમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
બીજી એરલાઇનનો રેકોર્ડ
આ જ રીતે ઓસ્ટ્રેલિયાની બે અન્ય એવિએશન કંપનીઓ વર્જિન ઓસ્ટ્રેલિયા અને જેટસ્ટારના વિમાનો પણ ક્યારેય અકસ્માતનો ભોગ બન્યા નથી. Airline Ratingsની દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઇન્સની લિસ્ટમાં Qantas ત્રીજા અને વર્જિન ઓસ્ટ્રેલિયા નવમા નંબરે છે. આ જ રીતે લો-કોસ્ટ એરલાઇનની લિસ્ટમાં જેટસ્ટાર બીજા નંબરે છે.
ફુલ સર્વિસ એરલાઇનની લિસ્ટમાં સેફ્ટીના હિસાબે UAEની એરલાઇન એતિહાદ સૌથી ઉપર છે. હોંગકોંગની કેથે પેસિફિક બીજા, કતાર એરવેઝ ચોથા અને એમિરેટ્સ પાંચમા નંબરે છે. ત્યારબાદ એર ન્યૂઝીલેન્ડ, સિંગાપોર એરલાઇન્સ, EVA Air અને કોરિયન એરનો નંબર છે. આ લિસ્ટમાં ભારતની કોઈપણ એરલાઇનને સ્થાન મળ્યું નથી.
લો-કોસ્ટ એરલાઇનમાં સૌથી સેફ HK Express છે. Scoot ત્રીજા અને Flydubai ચોથા નંબરે છે. ત્યારબાદ EasyJet, Southwest, AirBaltic, VietJet Air, Wizz Air અને AirAsia ટોપ 10માં સામેલ છે. આ લિસ્ટમાં પણ ટોપ 25માં ભારતની કોઈ એરલાઇન સામેલ નથી.

