China April exports rise: વર્તમાન વર્ષના એપ્રિલમાં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૮.૧૦ ટકા વધારો થયો હતો. અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોર વચ્ચે કંપનીઓ અને વપરાશકારો દ્વારા માલસામાનની ખરીદીમાં ધસારો થતાં ગયા મહિને નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
અમેરિકાએ ગયા મહિનાથી ટેરિફ લાગુ કર્યા છે. ચીનના વિશ્લેષકો નિકાસમાં બે ટકા વધારો થવાની અપેક્ષા રાખતા હતા. માર્ચમાં નિકાસમાં ૧૨.૪૦ ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
જો કે અમેરિકા ખાતે ચીનની એપ્રિલ નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧ ટકા અને આયાતમાં ૧૪ ટકા ઘટાડો થયો છે. માર્ચમાં ચીનની અમેરિકા ખાતેની નિકાસ ૯.૧૦ ટકા ઊંચી રહી હતી. ટેરિફમાં વધારો થાય તે પહેલા ચીનના નિકાસકારોએ માલની ડિલિવરીમાં ઉતાવળ કરતા નિકાસ વધી હતી.
અમેરિકા સાથે ચીનની વેપાર પુરાંત ૨૦.૫૦ અબજ ડોલર રહી હતી. વર્તમાન વર્ષના પ્રથમ ચાર મહિનામાં અન્ય દેશો ખાતે ચીનની નિકાસમાં મજબૂત ગતિએ વધારો જોવા મળ્યો હોવાનું એક અહેવાલમાં ચીનના સરકારી સુત્રોને ટાંકીને જણાવાયું હતું.