PSU banks made profit: સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોનો એકંદર નફો વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધી રૂપિયા ૧.૭૮ લાખ કરોડ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪માં જાહેર ક્ષેત્રની ૧૨ બેન્કોએ કુલ રૂપિયા ૧.૪૧ લાખ કરોડનો નફો કર્યો હતો.
નાણાં વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની બાર બેન્કોએ કરેલા રૂપિયા ૧,૭૮,૩૬૪ કરોડના નફામાં ૪૦ ટકા હિસ્સો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નો રહેલો હોવાનું બીએસઈ પર જાહેર કરાયેલા આંકડા પરથી કહી શકાય એમ છે.
એસબીઆઈએ રૂપિયા ૭૦૯૦૧ કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪માં કરેલા રૂપિયા ૬૧૦૭૭ કરોડની સરખામણીએ ૧૬ ટકા વધુ છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પંજાબ નેશનલ બેન્કના નફામાં વાર્ષિક ધોરણે ૧૦૨ ટકા વૃદ્ધિ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં બેન્કે રૂપિયા ૧૬૬૩૦ કરોડનો નફો કર્યો છે. ગયા નાણાં વર્ષમાં દરેક જાહેર ક્ષેત્રની બેન્કોના નફામાં વધારો થયો છે. નાણાં વર્ષ ૨૦૧૮માં જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂપિયા ૮૫૩૯૦ કરોડની ખોટ કરી હતી.