Equity funds flow decline: મ્યુચ્યુઅલ ફંડોમાં એપ્રિલ ૨૦૨૫ મહિનામાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ૩.૨ ટકા ઘટીને રૂ.૨૪,૨૬૯.૨૬ કરોડ નોંધાયો છે. જો કે આ રોકાણ પ્રવાહ માર્ચ ૨૦૨૧થી સતત ૫૦માં મહિને પોઝિટીવ નોંધાયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આજે જાહેર થયેલા આંકડામાં દર્શાવાયું છે. આ સાથે ઈક્વિટી ફંડોની એયુએમ એપ્રિલમાં ૩.૮૧ ટકા વધીને રૂ.૩૦.૫૮ લાખ કરોડ પહોંચી છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમમાં ૬.૪૭ ટકાનો વધારો થયો છે.
માર્ચ મહિનામાં બજારની મજબૂત રિકવરી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણમાં સાવચેતીએ નજીવો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં બીએસઈ સેન્સેક્સ ૩.૬૫ ટકા વધ્યો છે, જ્યારે એનએસઈનો નિફટી ૫૦ ઈન્ડેક્સ ૩.૪૬ ટકા વધ્યો છે. આ દરમિયાન સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી માસિક રોકાણ પ્રવાહ ૨.૭૨ ટકા વધીને એપ્રિલમાં રૂ.૨૬,૬૩૨ કરોડની નવી સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યો છે.
ફિક્સ્ડ ઈન્કમ કેટેગરીમાં મોટાપાયે રોકાણ પ્રવાહ નોંધાયો છ. ઘણા સંસ્થાકીય રોકાણકારો જેમણે વર્ષાંતે રિડમ્પશન કર્યું હતું, એ રોકાણકારોએ ફરી લિક્વિડ, અલ્ટ્રા-શોર્ટ ટર્મ જેવી કેટેગરીમાં ફરી રોકાણ કર્યું છે.
સતત ચોથા મહિને એપ્રિલમાં નેટ ઈક્વિટી રોકાણ પ્રવાહમાં ઘટાડો થતાં આ રોકાણ પ્રવાહ છેલ્લા ૧૨ મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે. ફિસ્ક્ડ ઈન્કમ સેગ્મેન્ટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ગત મહિને રૂ.૨.૧૯ લાખ કરોડ નોંધાયો છે.
ડેટ ફંડો, શોર્ટ ટર્મ લિક્વિડ ફંડોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૧.૧૯ લાખ કરોડ નોંધાયો છે, જે માર્ચમાં રૂ.૧.૩૩ લાખ કરોડ નોંધાયો હતો. આ ઉપરાંત મની માર્કેટ ફંડમાં નેટ રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૩૧,૫૦૭.૦૪ કરોડ નોંધાયો છે.
ગોલ્ડ ફંડોમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં રોકાણ પ્રવાહ એપ્રિલ ૨૦૨૫માં રૂ.૫.૮૨ લાખ કરોડ નોંધાયો છે. જો કે માર્ચ ૨૦૨૫માં સૌથી શ્રેષ્ઠ મહિનો રહી રૂ.૭૭.૨૧ લાખ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો હતો. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એપ્રિલમાં નેટ ધોરણે રોકાણ પ્રવાહ તમામ મ્યુચ્યુઅલ ફંડોમાં ખરીદીના કારણે રૂ.૨.૭૭ લાખ કરોડ નોંધાયો છે.