Sufficient stocks of wheat and rice: ભારત તથા પાકિસ્તાન વચ્ચે હાલની તંગદિલી વણસવાની સ્થિતિમાં ભારત પાસે અનાજપાણી તથા ક્રુડ તેલનો પૂરતી માત્રામાં સ્ટોક હોવાનો સરકારી સુત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ભારત પાસે ઘઉં, ચોખા, ખાંજ, ખાધ્ય તેલનો પૂરતી માત્રામાં બફર સ્ટોકસ પડેલો છે. ક્રુડ તેલની ઈન્વેન્ટરી પણ સાનુકૂળ સ્તરે છે. ભારત પાસે હાલમાં ૭૫ દિવસ ચાલે એટલુ ક્રુડ તેલ અને પેટ્રોલિયમ પ્રોડકટસ છે.
છેલ્લામાં છેલ્લા ડેટા પ્રમાણે ભારત પાસે ઘઉં તથા ચોખાનો મળીને કુલ ૬.૬૧ કરોડ ટન બફર સ્ટોક પડયો છે જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં જાહેર વિતરણ પદ્ધતિ મારફત વિતરીત કરાયેલા ૫.૨૦ કરોડ ટનથી વધુ છે. ઘઉં તથા ચોખાનો સ્ટોક એક વર્ષ ચાલે એટલો હોવાનો સુત્રોએ દાવો કર્યો હતો.
વર્તમાન ખાંડ મોસમમાં ખાંડનું ઉત્પાદન ૧લી મે, ૨૦૨૫ના ગયા વર્ષની સરખામણીએ ૧૮ ટકા નીચુ રહ્યં હોવા છતાં, ખાંડના મજબૂત ઓપનિંગ સ્ટોકને કારણે ઓકટોબર સુધી પૂરવઠો થઈ શકે એમ છે.
કઠોળની બાબતમાં ૩૫ લાખ ટનના ધોરણ સામે સરકાર પાસે ૧લી એપ્રિલના રોજ ૧૮ લાખ ટનનો બફર હતો. જેમાં તુવેર દાળ અને મગનો જથ્થો સૌથી વધુ રહ્યો હતો. ચણાનો નવો પાક બજારમાં આવવા લાગ્યો હોવાથી કઠોળનો પૂરવઠો જળવાઈ રહેશે તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.
દેશમાં હાલમાં ખાધ્ય તેલનો ૧૭ લાખ ટન જેટલો સ્ટોક છે જે ૨૦થી ૨૨ દિવસ સુધી ચાલી શકે એમ હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.