India Set To Become 4th Largest Economy: ભારત ઝડપથી ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક-એપ્રિલ 2025ના રિપોર્ટમાં ભારત 2025માં જાપાનને પાછળ કરી વિશ્વની ચોથુ અર્થતંત્ર બનવા સજ્જ છે. જે ભારતના અર્થતંત્રના પ્રવાસમાં નોંધનીય સફળતા બનશે.
IMF દ્વારા જારી વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક-એપ્રિલ 2025 રિપોર્ટ અનુસાર, ભારતનો ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટેનો જીડીપી 4187.017 અબજ ડૉલર (અંદાજે રૂ. 348 લાખ કરોડ) થશે. જ્યારે જાપાનનો જીડીપી 4186.43 અબજ ડૉલર (રૂ. 347.9 લાખ કરોડ) નોંધાશે. આ નજીવા તફાવત સાથે ભારત જાપાનને ઓવરટેક કરી વિશ્વની ચોથી મહાસત્તા ધરાવતો દેશ બનશે. હાલ વિશ્વના ટોચના અર્થતંત્રમાં ભારત પાંચમા ક્રમે છે.
2028માં વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનશે
આ રિપોર્ટમાં ભવિષ્યના ગ્રોથ અંગે પણ અંદાજ આપવામાં આવ્યો છે. જેમાં ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ પાડી વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનશે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં ભારત 2028 સુધીમાં 5584.47 અબજ ડૉલરનો જીડીપી નોંધાવશે. જ્યારે જર્મની આ સમયગાળામાં 5252.93 અબજ ડૉલરનો જીડીપી ગ્રોથ હાંસલ કરશે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ભારત 2027 સુધીમાં જ 5 લાખ કરોડ ડૉલરની ઈકોનોમી ધરાવતો દેશ બનશે.
અમેરિકા-ચીનનું વર્ચસ્વ જળવાશે
આઈએમએફના રિપોર્ટમાં વિશ્વની ટોચની મહાસત્તા ધરાવતા અમેરિકા અને ચીન પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે. 2025માં પણ અમેરિકા જીડીપી ગ્રોથ મામલે વિશ્વમાં પ્રથમ અને ચીન બીજા ક્રમે સ્થાન જાળવશે. અમેરિકાનો જીડીપી 2025માં 30.5 લાખ કરોડ ડૉલર અને ચીન 19.2 લાખ કરોડ ડૉલરે પહોંચશે. આ રેન્કિંગ દાયકાના અંત સુધી જળવાઈ રહેશે.
2025માં વિવિધ દેશનો જીડીપી ગ્રોથ અંદાજ
દેશ | જીડીપી ગ્રોથ અંદાજ |
અમેરિકા | 30,507.22 |
ચીન | 19,231.71 |
જર્મની | 4,744.80 |
ભારત | 4,187.02 |
જાપાન | 4,186.43 |
યુકે | 3,839.18 |
ફ્રાન્સ | 3,211.29 |
ઈટલી | 2,422.86 |
કેનેડા | 2,225.34 |
બ્રાઝિલ | 2,125.96 |
વૈશ્વિક પડકારોના કારણે જીડીપી ગ્રોથ મંદ
નોંધ લેવી કે, આઈએમએફે રિપોર્ટમાં ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડ્યો છે. વૈશ્વિક સ્તરે ટેરિફ અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે 2025માં ભારતનો જીડીપી ગ્રોથ 6.5 ટકાથી ઘટાડી 6.2 ટકા કર્યો છે. જો કે, તેની ખાનગી વપરાશ પર કોઈ અસર થશે નહીં.