Bitcoin price jump: અમેરિકા તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે વેપાર કરાર થવા સાથે હાલમાં ચાલી રહેલી ટેરિફ વોરમાં રાહત મળવાની શકયતા ઊભી થતા ક્રિપ્ટો કરન્સીસ બજારમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર રેલી જોવા મળી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ ફરી એક વખત ૧,૦૦,૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયો હતો અને મોડી સાંજે ૧,૦૩,૦૦૦ ડોલર આસપાસ કવોટ થતો હતો.
વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં બિટકોઈને ૧,૦૯,૧૧૪ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી.
વૈશ્વિક સ્તરે નીતિઓમાં ફેરબદલ, સંસ્થાકીય રોકાણકારો દ્વારા ક્રિપ્ટો માર્કેટમાં દાખવાતા રસ તથા બૃહદ આર્થિક પરિબળોને કારણે ક્રિપ્ટોસમાં રિકવરી જોવા મળી રહી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
અમેરિકા-યુકે વેપાર કરાર બાદ હવે અમેરિકા-ચીન વેપાર કરારને લઈને આશાવાદ ઉપરાંંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં સ્થિરતાથી બિટકોઈન જેવી જોખમી ડિજિટલ એસેટસ પર પોઝિટિવ અસર જોવા મળી છે.
એરિઝોના તથા ન્યુ હેમ્પશાયર દ્વારા બિટકોઈન સ્ટ્રેટેજિક રિઝર્વ ખરડો મંજુર કરાતા નીતિવિષયક સ્તરે બિટકોઈનની તરફેણ થઈ રહ્યાના સંકેત મળે છે.
બિટકોઈનની પાછળ અન્ય એસેટસ જેમ કે એથરમમાં બાવીસ ટકા, એકસઆરપીમાં ૮.૭૦ તથા સોલાનામાં ૯.૭૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. એથરમનો ભાવ ૨૩૭૫ ડોલર જોવા મળ્યો હતો.
ક્રિપ્ટો કરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધી ૩.૨૨ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી. બિટકોઈન સ્પોટ ઈટીએફમાં મજબૂત ઈન્ફલોસને કારણે પણ ભાવને ટેકો મળી રહ્યો છે.
આતંકવાદ વિરુદ્ધ ભારત દ્વારા ચાલુ રખાયેલા ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાન સાથે તેની તાણમાં વધારો થતા ક્રિપ્ટોકરન્સીસમાં ટૂંકા ગાળે વોલેટિલિટી જોવા મળી શકે છે.