US-UK Trade Deal: અમેરિકા તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા વેપાર કરારને ભારતની કંપનીઓને અમેરિકાની બજારોમાં માલનો પૂરવઠો વધારવાની તક તરીકે જોવાઈ રહ્યો છે. બીજી બાજુ અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં વ્યવહારિકતા અપનાવવા ભારત સરકારને સૂચન કરાયું છે.
યુકેની બજાર કદ નાની છે ત્યારે, અમેરિકા-યુકે કરારને કારણે ભારતીય માલિકીની કંપનીઓ જે બ્રિટનમાં કાર્યરત છે તેમને અમેરિકામાં માલસામાનની નિકાસ વધારવાની તક મળી રહેશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ટાટા મોટર્સની સંલગ્ન કંપની જે બ્રિટનમાં કાર્યરત છે તે જેગુઆર લેન્ડ રોવરને આ કરારનો લાભ મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કરાર અનવયે યુકે ખાતેના ઉત્પાદકો વર્ષે એક લાખ કારની અમેરિકામાં નિકાસ કરી શકશે જેના પર ૧૦ ટકા ડયૂટી લાગશે જે અગાઉ ૨૫ ટકા વસૂલાતી હતી. દરમિયાન આર્થિક થીંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ)એ ભારતે અમેરિકા સાથે વેપાર કરાર કરતી વખતે યુકે તથા અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારની જોગવાઈઓને ધ્યાનમાં લેવા જોઈએ તેવું સૂચન કર્યું છે. અમેરિકા સાથેના વેપાર કરાર આપસી લાભ, સમતુલિત રાખવાના રહેશે અને રાજકીય વિચારધારાને આધારિત નહીં હોવા જોઈએ.
યુકે સાથે થયેલા કરાર પ્રમાણે જ અમેરિકા અન્ય દેશો સાથે કરાર કરવા આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે. યુકેએ અમેરિકાને ટેરિફ ઘણી બધી રાહતો આપી છે જ્યારે તેના વળતામાં અમેરિકા દ્વારા ઓછી રાહત પૂરી પાડવામાં આવી હોવાનું કરારની જોગવાઈઓ પરથી જણાતું હોવાનું જીટીઆરઆઈએ જણાવ્યું હતું.