Gold ETF: એપ્રિલમાં ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખો આઉટફ્લો, સોનાના ભાવમાં તેજી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gold ETF: એપ્રિલમાં સતત બીજા મહિને રોકાણકારોએ ઘરેલુ ગોલ્ડ ઈટીએફમાંથી પૈસા ઉપાડી લેવાનું ચાલુ રાખ્યું હતું. સતત ૧૦ મહિનાના ચોખ્ખા રોકાણ પ્રવાહ પછી, માર્ચમાં પ્રથમ વખત આઉટફ્લો જોવા મળ્યો હતો. અગાઉ, ગયા વર્ષે એપ્રિલમાં ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખો આઉટફ્લો નોંધાયો હતો.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર, દેશના કુલ ૨૦ ગોલ્ડ ઈટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) માંથી ગયા મહિને ૫.૮૨ કરોડ રૂપિયાનો ચોખ્ખો આઉટફ્લો નોંધાયો હતો. ગયા વર્ષે આ જ મહિના દરમિયાન, દેશના કુલ ૧૭ ગોલ્ડ ઈટીએફમાંથી રૂ. ૩૯૫.૬૯ કરોડનો ચોખ્ખો આઉટફ્લો થયો હતો. માર્ચ ૨૦૨૫ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રૂ. ૭૭.૨૧ કરોડનો ચોખ્ખો આઉટફ્લો નોંધાયો હતો.

- Advertisement -

ચોખ્ખા આઉટફ્લો છતાં, સોનાના ભાવમાં તીવ્ર તેજીને કારણે એપ્રિલના અંત સુધીમાં ગોલ્ડ ઈટીએફની નેટ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વધીને રેકોર્ડ રૂ. ૬૧,૪૨૨.૧૯ કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન તે ૩૨,૭૮૯.૦૦ કરોડ રૂપિયા હતી જ્યારે માર્ચ ૨૦૨૫ માં તે ૫૮,૮૮૭.૯૯ કરોડ રૂપિયા હતી.

અગાઉ, સમગ્ર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન, ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. ૧૧,૨૬૬.૧૧ કરોડનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું હતું જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન, રૂ. ૨,૯૨૩.૮૧ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન, ૧૧ ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. ૪૫૮.૭૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

એપ્રિલ દરમિયાન વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ત્રણ વર્ષમાં સૌથી વધુ હતો, એટલે કે માર્ચ ૨૦૨૨ પછી. યુએસ ડોલરમાં નબળાઈ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા અને મજબૂત રોકાણ માંગ વચ્ચે ગયા મહિને યુએસ ડોલર અને ભારતીય રૂપિયા બંનેમાં સોનાના ભાવમાં ૬ ટકાનો વધારો થયો હતો.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ડેટા અનુસાર, એપ્રિલ દરમિયાન વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ૧૧.૨ બિલિયન ડોલર વધ્યું છે. વોલ્યુમ/હોલ્ડિંગની દ્રષ્ટિએ, આ સમયગાળા દરમિયાન રોકાણમાં ૧૧૫.૩ ટનનો વધારો થયો હતો. સતત પાંચમા મહિને સોનાના ભાવમાં વધારો અને રોકાણપ્રવાહને કારણે, એપ્રિલ ૨૦૨૫ ના અંત સુધીમાં ગોલ્ડ ઈટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ વધીને રેકોર્ડ ૩૭૯ બિલિયન ડોલર પહોંચી હતી. માર્ચની સરખામણીમાં, મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ અને કુલ હોલ્ડિંગ બંનેમાં અનુક્રમે ૧૦ ટકા અને ૩.૩૭ ટકાનો વધારો થયો છે.

ચીનના રોકાણકારોમાં ગોલ્ડ ETFનું આકર્ષણ

ગત એપ્રિલ માસ દરમિયાન, ગોલ્ડ ઈટીએફ માટે સૌથી મજબૂત ટેકો એશિયામાંથી, ખાસ કરીને ચીનમાંથી જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન એશિયન ફંડ્સમાં ૭.૩ બિલિયન ડોલર (+૬૯.૬ ટન)નો ચોખ્ખો રોકાણપ્રવાહ જોવા મળ્યો હતો. આ એકલા વૈશ્વિક સ્તરે કુલ ચોખ્ખા પ્રવાહના ૬૫ ટકા છે. એશિયન ફંડ્સમાં માસિક ધોરણે આટલો ઊંચો ચોખ્ખો પ્રવાહ ક્યારેય જોવા મળ્યો નથી. માર્ચ દરમિયાન તેમાં ૬.૫ અબજ ડોલર (૬૭.૪ ટન)નો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ચીનના રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફમાં ૬.૮ બિલિયન ડોલર(+૬૪.૮ ટન)નું રોકાણ કર્યું હતું.

આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ ઉત્તર અમેરિકન ફંડ્સમાં ચોખ્ખા ૪.૫ બિલિયન ડોલર (+૪૪.૨ ટ્રિલિયન)નું રોકાણ કર્યું હતું. આ ક્ષેત્રમાં પ્રવાહની દ્રષ્ટિએ અમેરિકા મોખરે રહ્યું છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફમાં ૪.૩૬ બિલિયન ડોલર (+૪૨.૪ ટન)નું રોકાણ કર્યું હતું.

TAGGED:
Share This Article