Beyond GDP India: ‘માત્ર GDPથી કામ નહીં ચાલે’, UNના દિગ્ગજોએ દેશની પ્રગતિ માપવા માટેના 31 માપદંડ જણાવ્યા

Arati Parmar
4 Min Read

Beyond GDP India: ભારતમાં GDPના આંકડાઓને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની એક નિષ્ણાત સમિતિએ દેશની પ્રગતિ માપવા માટે GDPથી આગળ વધવાની જરૂરિયાત જણાવી છે. બિઝનેસ ટુડે અનુસાર UN દ્વારા રચવામાં આવેલા હાઇ-લેવલ એક્સપર્ટ ગ્રુપ ઓન બિયોન્ડ GDPએ મે 2026માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં વિશ્વના દેશોની પ્રગતિ અને લોકોની વાસ્તવિક સ્થિતિને સમજવા માટે 31 સૂચકાંકો ધરાવતું એક નવું ફ્રેમવર્ક સૂચવવામાં આવ્યું છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લાંબા સમયથી GDP અને તેના વૃદ્ધિ દરને કોઈ દેશની પ્રગતિ માપવાનું સૌથી મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવતું રહ્યું છે. જોકે, GDP વધવા છતાં અનેક દેશોમાં અસમાનતા, પર્યાવરણીય નુકસાન અને સરકારી સંસ્થાઓ પ્રત્યે ઘટતો વિશ્વાસ જેવી સમસ્યાઓ યથાવત છે. તેથી કોઈ દેશની વાસ્તવિક પ્રગતિ માપવા માટે માત્ર આર્થિક વૃદ્ધિ પર નિર્ભર રહેવું પૂરતું નથી.

- Advertisement -

4 ભાગોમાં વહેંચવામાં આવેલા 31 સૂચકાંકો

  • UNના નિષ્ણાત જૂથે 31 સૂચકાંકોને ચાર મુખ્ય ભાગોમાં વહેંચ્યા છે. પહેલો ભાગ મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. તેમાં શાંતિ, માનવાધિકાર અને પર્યાવરણ પ્રત્યેના સન્માનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • બીજો ભાગ કરન્ટ વેલ-બીંગ છે. તેમાં લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં આવક અને કામની સ્થિતિ, આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા, જીવનથી સંતોષ, સામાજિક એકતા, સંસ્થાઓની ગુણવત્તા અને પર્યાવરણની સ્થિતિ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
  • ત્રીજો ભાગ ઇક્વિટી અને ઇન્ક્લૂઝન પર કેન્દ્રિત છે. તેનો ઉદ્દેશ એ જોવાનો છે કે આર્થિક અને સામાજિક પ્રગતિનો લાભ સમાજના અલગ-અલગ વર્ગો સુધી કેટલી હદ સુધી પહોંચી રહ્યો છે.
  • ચોથો ભાગ સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા છે. તેના દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે વર્તમાન વિકાસ લાંબા સમય સુધી ટકાઉ છે કે નહીં અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સમાજ કેટલો તૈયાર છે.

‘પ્રગતિનો અર્થ માત્ર GDP ગ્રોથ નથી’

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ફ્રેમવર્કના કેન્દ્રમાં લોકો અને પૃથ્વીનું કલ્યાણ છે. નિષ્ણાત જૂથ અનુસાર પ્રગતિનો અર્થ એવી સમતાપૂર્ણ, સમાવેશી અને ટકાઉ ખુશહાલી છે, જે આજની સાથે ભવિષ્ય માટે પણ વધુ સારી સ્થિતિનું નિર્માણ કરે.

આ પેનલની રચના UN મહાસચિવે મે 2025માં કરી હતી. તેની સહ-અધ્યક્ષતા કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર કૌશિક બસુ અને એલ કોલેજિયો ડી મેક્સિકોની પ્રોફેસર નોરા લસ્ટિગે કરી હતી.

- Advertisement -

ભારતમાં હજુ પ્રારંભિક તબક્કામાં ચર્ચા

અહેવાલને લઈને ભારતના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આ અહેવાલ તાજેતરમાં જ આવ્યો છે અને સરકારે તેની નોંધ લીધી છે. જોકે, હાલમાં તેના પર કોઈપણ પ્રકારનું કામ શરૂ કરવું ઉતાવળભર્યું રહેશે. આંતર-સરકારી સ્તરે આ અહેવાલને લઈને વિચાર-વિમર્શ પણ ચાલી રહ્યો છે.

ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં GDPની ગણતરીને વધુ સારી બનાવવા માટે બેઝ યરમાં સુધારાની પ્રક્રિયા દર પાંચ વર્ષે હાથ ધરવાનું લક્ષ્ય રાખવામાં આવશે. કોવિડ-19 મહામારીને કારણે છેલ્લી વખત બેઝ રિવિઝનમાં વિલંબ થયો હતો. નિયમિત રીતે બેઝ યર અપડેટ કરવાથી અર્થતંત્રમાં થતી નવી પ્રવૃત્તિઓને આંકડાઓમાં વધુ સારી રીતે સામેલ કરી શકાશે.

- Advertisement -

GDP ગણતરીમાં પણ ફેરફારની તૈયારી

ભારત GDPના મૂલ્યાંકનને વધુ સારું બનાવવા માટે ચેઇન-બેઝ્ડ ઇન્ડેક્સ સિસ્ટમ તરફ આગળ વધવા અંગે પણ વિચાર કરી રહ્યું છે. આ વ્યવસ્થામાં દર વર્ષે અલગ-અલગ ક્ષેત્રોના વેઇટ્સમાં ફેરફાર કરી શકાય છે, જેના કારણે અર્થતંત્રમાં માંગ અને ઉત્પાદનની બદલાતી રચનાને વધુ સચોટ રીતે નોંધવામાં આવી શકશે.

આ જ રીતે, આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ની ગણતરી માટે પણ ચેઇન-બેઝ્ડ પદ્ધતિ અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનાથી ઉત્પાદનની વર્તમાન રચનાને આંકડાઓમાં વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવામાં મદદ મળી શકે છે.

Share This Article