CIBIL Score: આજકાલ હોમ, કાર કે પર્સનલ લોન લેવા માટે બેંકમાં અરજી કરો એટલે સૌથી પહેલા સિબિલ સ્કોર તપાસવામાં આવે છે. 750-800નો સ્કોર હોય તો લોકોને લાગે છે કે લોન તો પાક્કું મળી જશે. પણ ઘણી વખત એવું થાય છે કે સારો સિબિલ સ્કોર હોવા છતાં પણ લોન રિજેક્ટ થઈ જાય છે. શું તમને ખબર છે આનું મુખ્ય કારણ શું છે? ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
સિબિલ સ્કોર એટલે શું?
સિબિલ સ્કોરને ક્રેડિટ સ્કોર પણ કહેવામાં આવે છે. આ 300-900ની વચ્ચેનો ત્રણ ડિજિટનો એક નંબર હોય છે, જે દર્શાવે છે કે તમે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો છે કે નહીં, લોન લીધી છે કે નહીં. જો લોન લીધી હોય કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય તો તમે સમયસર તેની ચૂકવણી કરી છે કે નહીં.
સામાન્ય રીતે 300ને સૌથી ખરાબ સ્કોર અને 900ને સૌથી સારો સ્કોર ગણવામાં આવે છે. સ્કોર જેટલો સારો હશે, લોન ઝડપથી મંજૂર થાય છે અને તે પણ ઓછા વ્યાજ દરે. પરંતુ કેટલીક વાર સિબિલ સ્કોર સારો હોવા છતાં પણ લોનની અરજી ફગાવી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારો સિબિલ સ્કોર 750 હોય તો તેને સારો માનવામાં આવે છે. પરંતુ ક્યારેક 750 સ્કોર હોવા છતાં લોન રિજેક્ટ થઈ જાય છે. શું તમને ખબર છે કે આનું કારણ શું હોય છે?
ડેટ-ટુ-ઇન્કમ રેશિયો (DTI)
તમારો ડેટ-ટુ-ઇન્કમ રેશિયો આની પાછળનું એક મોટું કારણ છે. બેંક ઇચ્છે છે કે તમારી માસિક આવકનો 40%થી ઓછો ભાગ જ EMI પર ખર્ચ થાય. નાણાકીય સલાહકાર રિતેશ સભરવાલ જણાવે છે કે, જો તમારો પગાર 1 લાખ રૂપિયા હોય અને તેમાંથી 45,000 રૂપિયા EMIમાં જતા હોય, તો તમારો DTI 45% થઈ જશે. આવી સ્થિતિમાં સિબિલ સ્કોર 750 હોવા છતાં પણ બેંક લોન આપવાનો ઇનકાર કરી દેશે. વધુ DTIનો અર્થ એ છે કે તમને લોન ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે, જેનાથી બેંક સાવચેત થઈ જાય છે.
એક કરતા વધારે વખત લોન માટે અરજી કરવી
ટૂંકા સમયગાળામાં વારંવાર ક્રેડિટ કાર્ડ કે લોન માટે અરજી કરવાથી પણ મામલો બગડી જાય છે. જો તમે ત્રણ મહિનામાં ત્રણ કે તેથી વધુ વખત લોન માટે અરજી કરી હોય, તો બેંક તેને નેગેટિવ રીતે જુએ છે. બેંકને લાગે છે કે તમે આર્થિક દબાણમાં છો અને નાણાકીય જોખમ વધારે છે. ઘણી વખત વારંવાર નોકરી બદલનારાઓને પણ લોન મેળવવામાં મુશ્કેલી પડે છે.
સુધારો કેવી રીતે કરવો?
– ડેટ-ટુ-ઇન્કમ રેશિયોને 40%થી ઓછો રાખો
– લાંબા સમય સુધી એક જ નોકરીમાં રહેવાનો રેકોર્ડ બનાવો
– ક્રેડિટ કાર્ડની લિમિટના માત્ર 30% જ ઉપયોગ કરો
– સમયસર અને નિયમિત લોન/EMIની ચુકવણી કરતા રહો

