નવી દિલ્હી, તા. 7 : શેરબજારમાં આજે સતત છઠ્ઠા કારોબારી દિવસે મંદીના માહોલમાં. સેંસેક્સ 638.45 અંક તૂટયો હતો. જ્યારે નિફ્ટી 24800 નીચે બંધ આવ્યો હતો. સૌથી વધારે નાના અને મધ્યમ શેર ધોવાયા હતા. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ બે ટકા (887.66 અંક) અને સ્મોલકેપ ઈન્ડેક્સ ત્રણ ટકા (1827.59 અંક)ના ભારે ઘટાડા સાથે બંધ થતાં નાના રોકાણકારોના જીવ તાળવે ચોટયા હતા. જેના કારણે રોકાણકારોને દિવસભરમાં 8.90 લાખ કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો હતો. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીના કારણે બજારનું સેન્ટીમેન્ટ કમજોર બની રહ્યું છે.

આઈટીને છોડીને તમામ ક્ષેત્રિય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. સરકારી બેંક, ફાર્મા, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઓયલ એન્ડ ગેસ, મીડિયા એન્ડ ટેલીકોમ 1થી 3 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 7 ઓક્ટોબરના રોજ ઘટીને 452.27 લાખ કરોડ રૂપિયાએ આવી હતી.
જે 4 ઓક્ટોબરે 460.89 લાખ કરોડ રૂપિયા હતી. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 8.62 કરોડ રૂપિયા ઘટી છે. બીએસઈ સેંસેક્સના 30માંથી માત્ર સાત જ શેર લીલા નિશાનમાં હતા. જેમાં આઈટીસી, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાયનાન્સ, ઈન્ફોસિસ અને ટીસીએસનો સમાવેશ થાય છે. બીજી તરફ અદાણી પોર્ટસ, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પાવર ગ્રિડ અને એક્સિસ બેંકના શેરમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો.

