Gautam Adani US Case: ભારત અને એશિયાના સૌથી મોટા અમીર ગૌતમ અદાણી માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ અદાણી ગ્રુપ પર ભારતમાં સોલર સંબંધિત કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે અધિકારીઓને લાંચ આપવાનો અને આ વાત અમેરિકી રોકાણકારોથી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી આ મામલાને સેટલ કરવા માટે 18 મિલિયન ડોલર એટલે કે આશરે 1,72,70,00,100 રૂપિયા આપવા સંમત થયા છે.
આ અંગે SEC એ નવેમ્બર 2024 માં મામલો દાખલ કર્યો હતો. આ વિશે ગુરુવારે ફેડરલ કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલી પ્રસ્તાવિત સમજૂતી મુજબ ગૌતમ અદાણી 6 મિલિયન ડોલર અને સાગર 12 મિલિયન ડોલર આપશે. જો આ ડીલ ફાઈનલ થાય છે તો તેનાથી અદાણી ગ્રુપને મોટો બુસ્ટ મળશે. રિપોર્ટ મુજબ અમેરિકાનો ન્યાય વિભાગ પણ ગૌતમ અદાણી વિરુદ્ધ છેતરપિંડીના આરોપો હટાવવાની તૈયારી કરી રહ્યો છે. આનાથી અદાણી ગ્રુપ ફરી ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાં વાપસી કરી શકે છે અને ફરીથી આક્રમક વિસ્તરણ રણનીતિ પર પરત ફરી શકે છે.
અદાણીની નેટવર્થ
ગૌતમ અદાણી ગ્રુપના ચેરમેન છે જ્યારે સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.
SEC ના જણાવ્યા અનુસાર અદાણી ગ્રીને અમેરિકામાં 175 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા.
SEC એ અદાણી ગ્રુપ કે તેની કોઈ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો નથી.
અદાણી ગ્રુપએ SEC ના આરોપોનું ખંડન કર્યું છે.
ગ્રુપનું કહેવું છે કે તેમના કોઈ પણ એક્ઝિક્યુટિવ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો નથી.
સાથે જ, અદાણી ગ્રીન એનર્જી આ કાયદાકીય પ્રક્રિયાનો હિસ્સો નથી.
અદાણી ગ્રુપનો બિઝનેસ પોર્ટ, એરપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઘણા સેક્ટર્સમાં ફેલાયેલો છે.
આ ટાટા ગ્રુપ તથા રિલાયન્સ પછી દેશનું ત્રીજું મોટું ઔદ્યોગિક જૂથ છે.
અદાણીની નેટવર્થ 109 અબજ ડોલર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 24.5 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે.
અદાણી એશિયામાં પ્રથમ અને વિશ્વના અમીરોની યાદીમાં 17મા નંબરે છે.

