Global Equity Market Cap: ભારતીય શેરબજારોમાં તાજેતરના ધોવાણને પરિણામે ઈક્વિટીસની વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો અંદાજે બે વર્ષમાં પહેલી જ વખત ૩ ટકાની અંદર ઊતરી સરકી ગયો છે. વર્તમાન સપ્તાહના પ્રારંભમાં દેશની માર્કેટ કેપ ૩.૭૫ ટ્રિલિયન ડોલર રહી હતી જે ૧૨૬ ટ્રિલિયન ડોલરની વૈશ્વિક માર્કેટ કેપના ૨.૯૯ ટકા જેટલી થવા જાય છે.
૨૦૨૩ના ૧૯ એપ્રિલ બાદ ભારતનો આ હિસ્સો સૌથી નીચો જોવા મળ્યો હતો. જો કે શેરબજારમાં છેલ્લા બે દિવસના સુધારાએ ભારતના હિસ્સામાં વધારો કરાવ્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
૨૦૨૪ના ૪ ઓગસ્ટના ભારતનો હિસ્સો ૪.૪૦ ટકા સાથે ટોચે રહ્યો હતો. આમ ટોચેથી ભારતના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ચીનના શેરબજારો ફરી સક્રિય બનવા લાગતા અને ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી માર્કેટ કેપમાં એક ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે.
વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨૦૧૮થી સરેરાશ ૨.૯૯ ટકા રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરથી એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેકસ ૧૮ ટકા જેટલો ઘટી ગયો છે જ્યારે એમએસસીઆઈ વર્લ્ડ ઈન્ડેકસ મોટેભાગે યથાવત છે.
ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગના ેતફાવત ઘટી ગયો છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું.
એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩ ટકા સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦ ટકા પહોંચી ગયું હતું.
આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩ ટકા તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦ ટકા જેટલુ ઊંચુ હતું. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે ભારતીય ઈક્વિટીસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર એકંદર માર્કેટ કેપ પર જોવા મળી રહી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.

