નવી દિલ્હી / ભુજ, તા. 18 : અમેરિકામાં આગામી સમયમાં યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીના કારણે સર્જાયેલી રાજકીય અસ્થિરતા, ફેડ દ્વારા વ્યાજદર કાપની ધારણા, મધ્ય-પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિએ સોનામાં સલામત રોકાણે હેજફંડોની ખરીદી તેમજ ડોલર પણ 2715ના સ્તરે પહોંચતાં ભુજની સ્થાનિક બજારમાં સોનું 80 હજારની નવીનત્તમ ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, તો ચાંદીયે 93600ની સપાટીએ પહોંચતાં બુલિયન બજારમાં તેજીનો તરખાટ જોવા મળ્યો હતો.
નવી દિલ્હીમાં સુવર્ણની કિંમત રૂા. 79900, તો રજતની કિંમત રૂા. 94500 થઈ ગઈ હતી. ઊંચા ભાવને લીધે દિવાળીની ખરીદી પર અસર થાય તેવી ભીતિ વેપારીઓને છે. સોનાના ભાવમાં તેજીનો નવો વિક્રમ સર્જાયો છે. વિશ્વ બજારમાં પ્રથમ વખત સોનું 2700 ડોલરનું સ્તર વટાવીને 2714 ડોલરની ઐતિહાસિક ઊંચી સપાટી પર પહોંચ્યું હતું. 2024ના આરંભથી સોનાની બજારમાં સખત તેજીનો માહોલ રહ્યો છે. દુનિયાની બજારમાં સોનું સર્વોચ્ચ સ્તર બતાવી રહ્યું છે, એટલે ભારતમાં પણ ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. રાજકોટમાં 80 હજાર નજીકનું લેવલ દેખાયું છે. અમેરિકા વ્યાજદર કાપશે એ કારણથી તેજીનો આરંભ વર્ષની શરૂઆતથી થયો છે. સપ્ટેમ્બરમાં અડધા ટકાનો વ્યાજકાપ આવી ગયો છે.
હવે નવેમ્બરમાં 25 કે 50 બેસીસ પોઇન્ટનો કાપ આવશે તે બાબતે અનિશ્ચિતતા છે. 2024માં સોનાનો ભાવ 38 ટકા ઊંચકાઇ ગયો છે. મહિનામાં સવા પાંચ ટકાની તેજી થઇ છે. તેજીનું મોટું કારણ મધ્યસ્થ બેંકોની સરળ બનતી જતી નાણાનીતિનું છે. વિશ્વના લગભગ તમામ દેશો વ્યાજદર ઘટાડી રહ્યા છે, એટલે કરન્સી નબળી પડી રહી છે અને સોનાની માંગ વધતી જાય છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા ગુરુવારે સતત બીજી વખત 25 બેસીસ પોઇન્ટનો વ્યાજદર ઘટાડો કરાયો છે. બેંક ઓફ ઇંગ્લેન્ડ પણ રેટ કટ કરવાની છે.
અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે, તેવા સંજોગોમાં રાજકીય અસ્થિરતા, મધ્ય-પૂર્વમાં યુદ્ધનું કોઈ નિરાકરણ ન આવતાં યુરોપિયન સેન્ટ્રલ બેંક અને હેજફંડો સહિતનાએ સલામત રોકાણ તરીકે સોનાની પસંદગી કરતાં બુલિયન બજારમાં સોનું 2715 ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. વળી અર્થતંત્રમાં સ્થિરતા લાવવા આગામી નવેમ્બરમાં ફેડ મિટિંગમાં 25 પૈસા વ્યાજદર ઘટાડો આવી શકે તેવી ધારણા બજારના સેવાઈ રહી છે. તો દિવાળી તહેવારોમાં ભારતીય બજારોમાં થતી ધૂમ ખરીદીના કારણે સોનાના ભાવમાં પ્રીમિયમ જોવા મળ્યું છે. આજના વધારા થકી સ્થાનિક બુલિયન બજારમાં 10 ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 960નો મોટો ઊછાળો થઈ 80 હજાર રહ્યા હતા, તો ચાંદીમાં રૂા. 1100નો વધારો થઈ 93600ના ભાવ રહ્યા હતા.

