સોનું ઓલ-ટાઈમ હાઈ
સોનું ઓલ-ટાઈમ હાઈ:10 ગ્રામ સોનું પહેલીવાર 61 હજારને પાર, ચાંદી પણ 74 હજારને વટી; તેજીનું કારણ મોંઘવારી, ગ્લોબલ ડિમાન્ડ જેવાં 5 કારણો
સોનાએ બુધવારે એટલે કે 5 એપ્રિલે નવો રેકોર્ડ બનાવ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમત 61 હજાર રૂપિયાને પાર થઈ ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે બુલિયન માર્કેટમાં સોનું રૂ.1,262 મોંઘું થઈને રૂ. 60,977 થઈ ગયું છે. અગાઉ 31 માર્ચે સોનું મોંઘું બન્યું હતું, જ્યારે તે રૂ. 59,751 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું.
ચાંદીમાં જોરદાર ઉછાળો
આ સિવાય ચાંદી પણ 74 હજારને પાર થઈ ગઈ છે. IBJA અનુસાર, આજે બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 2,822 મોંઘી થઈ અને રૂ. 74,522 પર પહોંચી ગઈ. આ તેનું 31 મહિનાનું હાઈ લેવલ છે.
સોનું 65 હજાર સુધી જઈ શકે છે
કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, 2020માં શરૂ થયેલી ગોલ્ડ સુપર સાઇકલ હજુ પણ ચાલુ છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન સંજોગોમાં તે 64,000 સુધી પહોંચી શકે છે.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી અને કરન્સી) અનુજ ગુપ્તા કહે છે કે જો તમને સોનામાં રોકાણ કરવાનું પસંદ હોય તો પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ કરવું જોઈએ. નિષ્ણાતોના મતે, કુલ પોર્ટફોલિયોમાંથી માત્ર 10 થી 15% જ સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનામાં રોકાણ કરવાથી કટોકટીના સમયમાં તમારા પોર્ટફોલિયોને સ્થિરતા મળી શકે છે, પરંતુ તે લાંબા ગાળે તમારા પોર્ટફોલિયોના વળતરને ઘટાડી શકે છે. સોનામાં ઓછામાં ઓછા 3 થી 5 વર્ષ માટે રોકાણ કરવું યોગ્ય રહેશે.
