Income Tax Rules Draft: ભારત સરકારે ૭ ફેબ્રુઆરીએ નવા આવકવેરા નિયમો ૨૦૨૬નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. નવા આવકવેરા નિયમો, ૨૦૨૬ માં અનેક મહત્વના ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. હવે ઘણા કામો માટે PAN કાર્ડ બતાવવાની જરૂરિયાતની મર્યાદા વધારવામાં આવી રહી છે. જેમ કે મોટર વ્હીકલ ખરીદવું, બેંકમાંથી મોટી રકમ ઉપાડવી કે જમા કરવી, પ્રોપર્ટી ખરીદવી અને હોટલમાં મોટું બિલ ચૂકવવું વગેરે માટે પાન કાર્ડની જરૂરિયાતની મર્યાદામાં ફેરફાર થશે.
નવા નિયમોમાં એવો પણ પ્રસ્તાવ છે કે કર્મચારીઓને મળતી સુવિધાઓનું મૂલ્ય વધારવામાં આવે. સાથે જ, ક્રિપ્ટો એક્સચેન્જો માટે એ જરૂરી રહેશે કે તેઓ પોતાની જાણકારી આવકવેરા વિભાગ સાથે શેર કરે. આ ઉપરાંત ડિજિટલ રૂપિયો (CBDC) ને પણ હવે સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક પેમેન્ટની એક માન્ય રીત તરીકે સામેલ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ૨૦૨૬ ની જાહેરાતના થોડા દિવસો બાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા આવકવેરા કાયદા ૨૦૨૫ સાથે જોડાયેલા ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ જાહેર કર્યા છે, જેના પર સામાન્ય લોકો પોતાના અભિપ્રાય આપી શકે છે.
બેંકમાં રોકડ જમા કે ઉપાડ
હવે પ્રસ્તાવ છે કે જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં કુલ ૧૦ લાખ કે તેથી વધુની રોકડ જમા કે ઉપાડ કરે છે – ભલે તે એક ખાતામાં હોય કે અનેક ખાતામાં – તો PAN જણાવવું જરૂરી રહેશે. વર્તમાન નિયમો મુજબ, એક જ દિવસમાં બેંક કે કો-ઓપરેટિવ બેંકમાં ૫૦,૦૦૦ થી વધુની રોકડ જમા કરાવવા પર PAN આપવું અનિવાર્ય છે.
મોટર વાહન ખરીદવા પર PAN
વર્તમાન નિયમોમાં જો ખરીદવામાં આવતી ગાડી (કાર કે બાઇક) ની કિંમત ૫ લાખથી વધુ હોય, તો PAN જણાવવું જરૂરી હતું. ટુ-વ્હીલર માટે PAN જણાવવાનો કોઈ નિયમ નહોતો. નવા ડ્રાફ્ટ નિયમમાં કોઈપણ મોટર વાહનની ખરીદી પર, કિંમત ભલે ગમે તે હોય, PAN જણાવવું ફરજિયાત રહેશે એટલે કે ટુ-વ્હીલર પણ હવે આ દાયરામાં આવી જશે.

