India GDP Growth: મોદીની વિકાસિત ભારતની યોજના અધૂરી રહેશે? 7% વૃદ્ધિ પણ ભારતને વિકાસિત નહીં બનાવી શકે, નિષ્ણાતે જણાવ્યું કારણ

Arati Parmar
7 Min Read

India GDP Growth: પાછલા ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસ દર 7%થી વધુ રહેવાનો અંદાજ છે. દુનિયાની મોટાભાગની મોટી અર્થવ્યવસ્થાઓ માટે આ ચોંકાવનારું હોઈ શકે છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસિત રાષ્ટ્ર’ના સ્વપ્નને પૂરું કરવા માટે આ ગતિ કદાચ પૂરતી નથી.

PM મોદી ઇચ્છે છે કે ભારત 2047 સુધી ‘વિકાસિત’નો દરજ્જો હાંસલ કરે. આ બ્રિટિશ શાસનથી સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ હશે. દેશના સૌથી મોટા સરકારી થિંક-ટૅન્કના વરિષ્ઠ અધિકારી અશોક લાહિરી અનુસાર, દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે 21 વર્ષ સુધી દર વર્ષે 9.25%ના દરે વૃદ્ધિ કરવી પડશે.

- Advertisement -

PM મોદીના ત્રીજા કાર્યકાળનો મુખ્ય એજન્ડા

‘વિકાસિત ભારત’નું આ લક્ષ્ય PM મોદીના ત્રીજા કાર્યકાળનો મુખ્ય એજન્ડા બની ગયું છે. જોકે, ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વર્તમાન વિકાસ દરને જોતા ભારતની અર્થવ્યવસ્થા તેમના વિઝનથી પાછળ રહી જશે.

2000 અને 2024 વચ્ચે વિકાસ દર સરેરાશ 6.3% રહ્યો. આ 7.5%-8%ના વર્તમાન સંભવિત દર કરતાં ઘણો ઓછો છે. પાછલા 50 વર્ષમાં અર્થવ્યવસ્થા માત્ર ત્રણ વખત એટલે કે 1975, 1988 અને 2021માં 9.25% અથવા તેનાથી વધુના દરે વધી છે.

- Advertisement -

વિકાસ દરમાં સતત તેજીની જરૂર

ઓક્સફર્ડ ઇકોનોમિક્સની લંડન સ્થિત અર્થશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રા હરમન પ્રસાદે કહ્યું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે વિકાસ દરમાં ખૂબ જ વધારે અને સતત તેજીની જરૂર પડશે. અર્થવ્યવસ્થા વધતી જશે અને તેનો આધાર એટલે કે બેઝ મોટો થતો જશે તેમ આ વધુ મુશ્કેલ બનતું જશે.

સોમવારે આવનારા ડેટાથી જાણવા મળી શકે છે કે પાછલા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થા એક વર્ષ અગાઉની સરખામણીમાં 7.3% વધી. આ પાછલા ત્રણ ત્રિમાસિક ગાળામાં રહેલા 7.8%ના દર કરતાં ઓછો છે.

- Advertisement -

ભારતને 8%થી ઓછો ગ્રોથ ફસાવી શકે

8%થી ઓછો વિકાસ દર ભારતને ‘મિડલ-ઇન્કમ ટ્રૅપ’માં ફસાવી શકે છે, જ્યાં સમૃદ્ધ અર્થવ્યવસ્થાઓ સાથે સ્પર્ધા કરવા માટે ઉત્પાદકતા અને કૌશલ્યમાં મોટો સુધારો થાય તે પહેલાં જ વધતી મજૂરી દેશના ઓછા ખર્ચના લાભને ખતમ કરી દે છે.

‘હાઇ-ઇન્કમ’ ધરાવતા દેશનો દરજ્જો મેળવવાનો માર્ગ ખૂબ લાંબો છે. નીતિ આયોગના લાહિરી અનુસાર, 2025માં ભારતની માથાદીઠ આવક $2,813 હતી. આ સ્તરને પાર કરવા માટે 2047 સુધી તેમાં છ ગણાથી વધુ વધારો કરીને લગભગ $18,000 સુધી પહોંચાડવી પડશે.

ભારતની ઇકોનોમીમાં ઘણી નબળાઈઓ

ઓવરસીઝ-ચાઇનીઝ બેન્કિંગ કોર્પની ઇકોનોમિસ્ટ લાવણ્યા વેંકટેશ્વરનનું કહેવું છે કે ભારતની ઇકોનોમીમાં ઘણી નબળાઈઓ છે. તેમણે દેશની કરન્ટ-અકાઉન્ટ અને બજેટ ખાધ સાથે બાહ્ય બેલેન્સને ભંડોળ પૂરું પાડવા માટે અસ્થિર કેપિટલ ઇનફ્લો પરની નિર્ભરતાને જોખમ ગણાવ્યું.

આ એક કારણ છે કે વિદેશી રોકાણકારો વચ્ચે દેશનું આકર્ષણ ઘટી રહ્યું છે અને આ વર્ષે અત્યાર સુધી ભારતીય રૂપિયો એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સી રહ્યો છે. બેન્ક ઑફ અમેરિકા કોર્પના ફંડ મેનેજરોના ઓગસ્ટના સર્વેમાં ભારતે એશિયાના સૌથી ઓછા પસંદ કરવામાં આવતા સ્ટૉક માર્કેટ તરીકે ઇન્ડોનેશિયાનું સ્થાન લીધું.

શું છે સોલ્યુશન?

ઇકોનોમિસ્ટનું કહેવું છે કે એક ઉકેલ મેન્યુફેક્ચરિંગ વધારવાનો છે. આ મોદી સરકારના એજન્ડામાં પણ છે. જોકે, એક દાયકાથી વધુ સમયથી ભારતની GDPમાં આ સેક્ટરનો હિસ્સો લગભગ 16%-17% પર જ અટકેલો છે. તેની સરખામણી PM મોદીના 25%ના લક્ષ્ય સાથે કરી શકાય છે.

ઇકોનોમિસ્ટનું કહેવું છે કે હાઇ-ટેક એક્સપોર્ટને પ્રોત્સાહન આપવું, વધુ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહિત કરવું અને ઇમ્પોર્ટેડ એનર્જી પરની નિર્ભરતા ઘટાડવી ઇકોનોમિક મોમેન્ટમને ઝડપી બનાવવાના અન્ય રસ્તા છે.

ગ્લોબલ ગુડ્સ એક્સપોર્ટમાં ભારતનો હિસ્સો 2%થી પણ ઓછો છે. જ્યારે ચીનનો હિસ્સો 14%થી વધુ છે. આ તે અંતર દર્શાવે છે જેને ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ બનવા માટે ભારતે પૂરું કરવાની જરૂર છે.

ભારતે પોતાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સને પણ આકર્ષવાની જરૂર છે. હકીકતમાં ગયા અઠવાડિયે દેશના બે સૌથી વરિષ્ઠ મંત્રીઓએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સામે ભારતની ગ્રોથ સ્ટોરી રજૂ કરી. અમેરિકા, કેનેડા અને જાપાનમાંથી નવું કેપિટલ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો.

જોકે, ભારતે રેકોર્ડ પ્રમાણમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષ્યું છે. પરંતુ તે કેપિટલને રોકાણરૂપે જાળવી રાખવામાં સંઘર્ષ કરતો રહ્યો છે. તાજેતરના વર્ષોમાં સ્થાનિક કંપનીઓએ પણ વિદેશોમાં રોકાણ વધાર્યું છે, જ્યારે ભારતીય સ્ટાર્ટઅપ્સમાં વિદેશી રોકાણકારોએ પોતાના જૂના રોકાણમાંથી નાણાં પાછાં ખેંચી લીધાં છે.

ઘરેલું બચત પણ જરૂરી બનશે

ભારતની વિકાસની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ઘરેલું બચત પણ ખૂબ જ જરૂરી બનશે. જોકે દેશમાં બચત ગ્લોબલ સરેરાશ કરતાં વધારે છે. પરંતુ તેની બચતનો દર ઘણા એશિયન દેશોથી પાછળ છે. ચીનની સરખામણીમાં તે ઘણો ઓછો છે. ઓછી આવકને કારણે પણ પરિવારો રોજિંદી જરૂરિયાતો પર ખર્ચ કર્યા બાદ વધુ બચત કરી શકતા નથી.

આ એટલા માટે જરૂરી છે કારણ કે બચતથી નવી ફેક્ટરીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય રોકાણો માટે સસ્તું ઘરેલું નાણું મળે છે. જો બચતમાં સતત ઘટાડો થતો રહેશે તો ભારતને પોતાની વિકાસની જરૂરિયાતો પૂરી કરવા માટે મોંઘી લોન અથવા વિદેશી મૂડી પર વધુ નિર્ભર રહેવું પડશે.

ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગુમાવવાનો ખતરો

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો સારી નોકરીઓ અને સ્કિલ્સ નહીં મળે તો ભારત તે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ એટલે કે કામકાજની ઉંમરની વસ્તીના લાભને ગુમાવી શકે છે, જે આગામી ત્રણ દાયકા સુધી જળવાઈ રહેવાની અપેક્ષા છે.

નીતિ આયોગના તાજેતરના અહેવાલમાં 2021ના સર્વેના આધારે જાણવા મળ્યું કે 15થી 29 વર્ષની ઉંમરના લગભગ 8.7 કરોડ ભારતીયો ન તો કામ કરી રહ્યા હતા અને ન તો અભ્યાસ અથવા ટ્રેનિંગ લઈ રહ્યા હતા. સારી નોકરીઓની અછતને કારણે લગભગ 60% વર્કફોર્સને સ્વરોજગાર એટલે કે પોતાનું કામ કરવું પડી રહ્યું છે. તેમાંના મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. તેમાં સામાન્ય રીતે ઓછી આવક થાય છે.

6%થી વધુની ગ્રોથ જાળવી રાખવી પણ મુશ્કેલ

ગ્લોબલડેટા.ટી.એસ. લોમ્બાર્ડની ચીફ ઇકોનોમિસ્ટ શુમિતા દેવેશ્વરે કહ્યું, ‘ભારતની મેક્રો-ઇકોનોમિક સ્થિરતા અને સુધારાઓ પર ભાર મૂકતી સરકારને જોતા મુખ્ય પ્રશ્ન એ છે કે રોકાણનું સાયકલ આટલા વર્ષોથી શરૂઆતના તબક્કામાં જ કેમ અટકેલું છે અને નેટ FDI શૂન્યની નજીક કેમ છે? યુવાનો અને વધતી વર્કફોર્સ માટે પૂરતી નોકરીઓ કેમ નથી?’

તેમણે કહ્યું કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને નોકરીઓમાં ઝડપી વધારો થયા વિના 6%થી વધુનો GDP ગ્રોથ રેટ જાળવી રાખવો પણ મુશ્કેલ કામ હશે. 8%થી વધુનો ગ્રોથ રેટ તો દૂરની વાત છે, જે ભારતની અર્થવ્યવસ્થાને વિકાસિત દેશ બનવા માટે જરૂરી છે.

Share This Article