India ITR 100 Crore Income: આઈટીઆર આંકડાઓમાં મોટો ખુલાસો, 576 લોકોએ દર્શાવી ₹100 કરોડથી વધુની કુલ આવક
India ITR 100 Crore Income: દેશની ઇકોનોમી ઝડપથી આગળ વધી રહી છે અને તેની સાથે જ દેશમાં અમીરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. એસેસમેન્ટ યર 2025-26ના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR )માં 576 લોકોએ પોતાની કુલ કમાણી (ગ્રોસ ટોટલ ઇન્કમ) ₹100 કરોડ અથવા તેથી વધુ દર્શાવી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શ્રેણીના લોકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે ઇન્કમ ટેક્સ કાયદામાં બિલિયોનેર (billionaire) શબ્દની કોઈ કાનૂની વ્યાખ્યા આપવામાં આવી નથી.
તેમ છતાં, ટેક્સ રિટર્નના આંકડા મુજબ, એસેસમેન્ટ યર 2025-26માં 576 એવા વ્યક્તિઓ હતા જેમણે પોતાની કુલ ગ્રોસ ઇન્કમ ₹100 કરોડ અથવા તેથી વધુ દર્શાવી હતી. આ સંખ્યા એસેસમેન્ટ યર 2021-22માં માત્ર 142 હતી, જેમાં હવે ચાર ગણો મોટો ઉછાળો આવ્યો છે. નાણાં રાજ્યમંત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું સરકારને જાણ છે કે દેશમાં બિલિયોનેરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને આ મામલે દેશ વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે.
બેરોજગારીમાં ઘટાડો
ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું કે ઇન્કમ ટેક્સ અધિનિયમ, 2025 અથવા અગાઉના ઇન્કમ ટેક્સ અધિનિયમ, 1961 હેઠળ બિલિયોનેર (billionaire) શબ્દની કોઈ કાનૂની વ્યાખ્યા નથી. જવાબ અનુસાર વર્ષ 2025-26માં દાખલ કરાયેલા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ₹100 કરોડ અથવા તેથી વધુની કુલ આવક દર્શાવનારા લોકોની સંખ્યા 576 હતી. આ સંખ્યા વર્ષ 2021-22માં દર્શાવાયેલી 142ની સરખામણીએ ચાર ગણી વધુ છે.
મંત્રીના જવાબ અનુસાર ₹100 કરોડ અથવા તેથી વધુની કુલ આવક ધરાવતા લોકોની સંખ્યા વર્ષ 2022-23માં 301 હતી, જે વર્ષ 2023-24માં ઘટીને 284 થઈ ગઈ હતી અને ત્યારબાદ વર્ષ 2024-25માં વધીને 415 થઈ ગઈ હતી. અન્ય એક પ્રશ્નના લેખિત જવાબમાં ચૌધરીએ જણાવ્યું કે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બેરોજગારી દર વર્ષ 2022માં 3.6 ટકા હતો, જે ઘટીને વર્ષ 2025માં 3.1 ટકા રહ્યો છે.

