ITR Filing FY 2025: 1 એપ્રિલથી શરુ થયેલા નવા નાણાકીય વર્ષમાં દેશભરના કરોડો કરદાતાઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેના માટે CBDTએ ફાયનાન્સિયલ યર 2024-25 (AY 2025-26) માટે ITR ફોર્મ જારી કરી દીધા છે. જેમાં નોકરિયાત વર્ગ માટે આઇટીઆર ફાઇલ કરવું વધુ સરળ બને તે માટે અત્યંત મહત્ત્વનુ ITR ફોર્મ-16ના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ફોર્મેટમાં વધુ વિગતો અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. જેથી પગારદાર સરળતાથી અને ઝડપથી ફોર્મ-16 ફાઇલ કરવા સક્ષમ બનશે. નવા ફેરફારોમાં હવે ટેક્સ ફ્રી ભથ્થુ, કપાત અને ટેક્સેબલ સેલેરીની સંપૂર્ણ માહિતી મળશે. જેથી આઇટીઆર ફાઇલ કરવું સરળ અને પારદર્શી બનશે.
ફોર્મ-16માં અગાઉ માત્ર સામાન્ય વિગતો હતી, હવે તેમાં ટેક્સ કપાતની રકમ, ટેક્સ ફ્રી અલાઉન્સ સહિતના ફીચર્સ છે. જેમાં વિગતવાર અને વિસ્તૃત બ્રેકઅપ દર્શાવવામાં આવ્યું છે, જેનાથી પગારનું સ્ટ્રક્ચર, કપાત અને ટેક્સ વિશે સ્પષ્ટતા થશે. જે રિટર્ન ફાઇલ કરવાની મૂંઝવણો દૂર કરશે.
શું છે ફોર્મ-16?
ફોર્મ-16 એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે નોકરીદાતા દ્વારા કર્મચારીઓને આપવામાં આવે છે. તેમાં કર્મચારીના પગાર અને સ્રોત પર કર કપાત (TDS) વિશેની માહિતી હોય છે. આ દસ્તાવેજ ITR ફાઇલ કરવામાં મદદ કરે છે અને સાબિત કરે છે કે નોકરીદાતાએ કર્મચારીના પગારમાંથી TDS કાપી આવકવેરા વિભાગમાં જમા કરાવ્યો છે. જો તમે વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, તો પણ દરેક નોકરીદાતા પાસેથી ફોર્મ-16 મેળવવું ફરજિયાત છે. ફોર્મ-16 ITR ફાઇલ કરવામાં મદદ કરે છે, તેમજ લોન લેવા માટે પણ તે જરૂરી છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ તેને તમારી આવકના પુરાવા તરીકે માને છે. જો કર્મચારીએ વધુ TDS ચૂકવ્યો હોય, તો ફોર્મ-16 દ્વારા રિફંડનો દાવો કરી શકે છે. ફોર્મ 16 પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં હોય છે.
ફોર્મ-16 પાર્ટ-A
પાર્ટ-A માં નોકરીદાતા દ્વારા દર ત્રણ મહિને કાપવામાં આવતા અને જમા કરાયેલા ટેક્સ સંબંધિત માહિતી સામેલ છે. તેમાં કર્મચારીનું નામ, સરનામું, PAN નંબર, નોકરીદાતાનો ટેક્સ કપાત એકાઉન્ટ નંબર (TAN) અને PAN નંબર હોય છે. આ પાર્ટ કર્મચારીને તેની પગાર સ્લિપમાં કાપવામાં આવેલ ટેક્સની જાણકારી મેળવવામાં મદદ કરે છે.
ફોર્મ-16 પાર્ટ-B
પાર્ટ-Bમાં કર્મચારીના પગાર અને આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવતી છૂટ વિશે વિગતવાર માહિતી છે. જેમાં કલમ 10 (જેમ કે HRA) હેઠળ છૂટ અને કલમ 80C અને 80D (જેમ કે જીવન વીમો, આરોગ્ય વીમો, PPF) હેઠળ કપાત સમાવિષ્ટ છે. ITR ફાઇલ કરવામાં આ પાર્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.