MSME companies loans risk: વધી રહેલી ટેરિફ વોરને ધ્યાનમાં રાખતા ઊંચા જોખમ સાથેના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) તથા મધ્યમ સ્તરના કોર્પોરેટસ દ્વારા લેવાયેલી લોન્સમાંથી રૂપિયા ૨૧૮૦૦ કરોડની લોન્સ જોખમમાં મુકાઈ શકે છે.
ટેરિફ વોરને કારણે એમએસએમઈ તથા મધ્યમ સ્તરના કોર્પોરેટસના કામકાજની સ્થિતિ કથળી શકે છે, એમ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ખાસ કરીને કેમિકલ્સ, સ્ટીલ, ટેકસટાઈલ્સ તથા ઔદ્યોગિક મસીનરી સાથે સંકળાયેલી એમએસએમઈ નબળી પડી શકે છે કારણ કે વેપાર તાણની તેમના પર નકારાત્મક અસર જોવા મળવા સંભવ છે.
૧૮૯૮ જેટલી લિસ્ટેડ તથા અનલિસ્ટેડ એમએસએમઈ તથા ૧૦૫૫ મધ્યમ સ્તરની કંપનીઓના હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું છે કે, અનપેક્ષિત નાણાંકીય આંચકા સામે મધ્યમ કદની કંપનીઓ મજબૂત નાણાંકીય બફર ધરાવે છે.
૧૮૯૮ એમએસએમઈમાંથી ૬ ટકા ઊંચા જોખમ સાથેની એમએસએમઈ તરીકે વર્ગીકૃત કરાઈ છે. આ એમએસએમઈનો બાકી પડેલા દેવાબોજનો આંક રૂપિયા ૮૧૦૦ કરોડ છે જે એમએસએમઈના કુલ દેવાબોજના ૧૬ ટકા જેટલો છે.
બીજી બાજુ મધ્યમ સ્તરની પાંચ ટકા કંપનીઓ ઊંચા જોખમની શ્રેણીમાં આવે છે જેના બાકી દેવાનો આંક નાણાં વર્ષ ૨૦૨૪ના અંતે રૂપિયા ૧૩૭૦૦ કરોડ હતો. ૧૦૫૫ મધ્યમ સ્તરની કંપનીઓના કુલ દેવામાં આ આંક ૧૧ ટકા જેટલો થવા જાય છે.
૩૧મી માર્ચ, ૨૦૨૪ના ૨૩ ટકા એમએસએમઈ તાણ હેઠળ હતી, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્કિંગ કેપિટલની તાણને કારણે આ કંપનીઓની મૂડીખર્ચની માત્રા સામાન્ય રીતે નીચી રહે છે અને તેમણે સ્પર્ધાત્મક દરે પૂરતું ભંડોળ મેળવવું પડે છે.
મંદ માગને કારણે એમએસએમઈ પર ગંભીર અસર પડવાનું જોખમ રહેલું છેે પરંતુ વ્યાજ દરમાં ઘટાડાથી આ કંપનીઓને થોડીઘણી રાહત મળી શકે છે.