IT કંપનીના શેરમાં મોટા ઘટાડાથી LIC ચોંકી, જાણો મૂર્તિ પરિવારે કેટલા કરોડ ગુમાવ્યા

newzcafe
3 Min Read

IT કંપનીના શેરમાં મોટા ઘટાડાથી LIC ચોંકી, જાણો મૂર્તિ પરિવારે કેટલા કરોડ ગુમાવ્યા


ઈન્ફોસિસના શેરમાં મોટા પાયે ઘટાડાથી આઈટી કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અબજો ડોલર ગાયબ થઈ ગયા. કંપનીના શેરમાં જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળામાં કમાણી અંદાજ કરતાં ઓછી હોવાને કારણે મોટો ઘટાડો નોંધાયો છે. ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 7.8 ટકા વધીને રૂ. 6128 કરોડ થયો છે. અગાઉ, કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 6586 કરોડનો નફો કર્યો હતો. કંપનીના શેરમાં થયેલા આ ઘટાડાને કારણે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને મૂર્તિ પરિવાર જેવા મોટા શેરધારકોને સોમવારે ટ્રેડિંગની શરૂઆતની થોડી સેકન્ડોમાં મોટો આંચકો લાગ્યો હતો.


 


ઇન્ફોસિસના શેરમાં ઘટાડાને કારણે LICને રૂ. 3,907 કરોડનું નુકસાન થયું છે


ઇન્ફોસિસમાં LIC 7.71 ટકા હિસ્સો ધરાવે છે. દેશની સૌથી મોટી વીમા કંપની ડિસેમ્બર ક્વાર્ટરના અંતે IT કંપનીમાં 28,13,85,267 શેર ધરાવે છે. ગુરુવારે તેની બજાર કિંમત 39,073 કરોડ રૂપિયા હતી. સોમવારે શરૂઆતના વેપારમાં ઈન્ફોસિસના શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ ઘટાડાથી ઇન્ફોસિસમાં LICના શેરનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 35,166 કરોડ થયું હતું. આ રીતે ભારતીય જીવન વીમા નિગમને લગભગ 3,907 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 


 


નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ પણ ખોટમાં, બ્રિટિશ PM સુનકની પત્નીએ 541 કરોડ ગુમાવ્યા 


મૂર્તિ પરિવારની વાત કરીએ તો ગુરુવારે નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિના હિસ્સાની બજાર કિંમત રૂ. 8,444.47 કરોડ હતી. સોમવારે તે ઘટીને રૂ. 7,600 કરોડ થયો હતો. તેમાં રૂ. 844 કરોડનો ઘટાડો નોંધાયો હતો. અક્ષતા મૂર્તિ કે જેઓ નારાયણ મૂર્તિની પુત્રી અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની છે, તેઓ બેંગ્લોર સ્થિત કંપની ઈન્ફોસિસમાં 1.07 ટકા હિસ્સો ધરાવે છે. જેની કિંમત ગુરુવારે બજાર બંધ થવાના સમયે 5,409.58 કરોડ રૂપિયા હતી. સોમવારે શરૂઆતના વેપારમાં તે રૂ. 541 કરોડ ઘટીને રૂ. 4868.66 કરોડ થયો હતો.


 


મૂર્તિ દંપતીને પણ આટલા કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું 


નયનમૂર્તિની પત્ની સુધા એન મૂર્તિ ઇન્ફોસિસમાં 0.95 ટકા હિસ્સો ધરાવે છે, જેનું બજાર મૂલ્ય ગુરુવારે રૂ. 4797.69 કરોડ હતું. સોમવારે તે રૂ. 480 કરોડ ઘટીને રૂ. 4317.96 કરોડ થયો હતો. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ઈન્ફોસિસમાં 0.46% હિસ્સો ધરાવે છે, જેનું બજારમૂલ્ય સોમવારે શેરમાં ઘટાડાને કારણે રૂ. 2,322.41 કરોડથી રૂ. 231.12 કરોડ ઘટીને રૂ. 2,080 કરોડ થયું હતું.


 


ઈન્ટ્રાડેમાં કંપનીના શેર આ રીતે ઘટ્યા હતા


જણાવી દઈએ કે સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ઈન્ફોસિસના શેર 1249.75 રૂપિયાની લોઅર સર્કિટ લિમિટને સ્પર્શી ગયા હતા. તેના કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા ગુરુવારના રૂ. 5,76,069 કરોડથી ઘટીને રૂ. 5,18,466 કરોડ થયું છે.

Share This Article