જાપાનનાં સંગ્રહાલયમાં કચ્છી બાંધણીને સ્થાન

Reena Brahmbhatt
2 Min Read

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 28 : કચ્છની કારીગરી એ વિશ્વમાં વખણાયેલી બેનમૂન કળા છે. જાપાનમાં પણ કચ્છી બાંધણીનો ડંકો વાગ્યો છે. પરંપરાગત કચ્છી બાંધણી બનાવનારા ખત્રી અબ્દુલરહેમાન ખત્રીની આ બાંધણી કળાની 16 જેટલી બાંધણીની આઈટમોને જાપાનમાં મિથીલા મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે.

bandhani handicrafts of kutch

- Advertisement -

જાપાનના ટોક્યોમાં આયોજિત 14મા ઈન્ડિયા ટ્રેડ ફેર 2024માં કચ્છ-ગુજરાતની સંસ્કૃતિનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેરા ગામના રહેવાસી કવિ પરિવારના કસબી અને રાષ્ટ્રીય એવોર્ડ 2009ના વિજેતા ખત્રી અબ્દુલરહેમાન ઓસમાનની બાંધણી કલાને સન્માનિત કરાઈ હતી. જાપાનમાં ભારતીય દૂતાવાસના સી.બી. જ્યોર્જે શાલ ઓઢાડી અને સર્ટિફિકેટ આપી બહુમાન કર્યું હતું. જેમાં અનુજકુમાર ઓઝા, સંતોષકુમાર ચૌધરી, શાંતિદેવી, અશોકકુમાર અને અન્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા. બિહાર ફાઉન્ડેશન જાપાનના અધ્યક્ષ આનંદ વિજયસિંહે પણ શ્રી ખત્રીને સન્માન્યા હતા. આનંદ વિજયસિંહે કહ્યું, ભારતના કચ્છ બાંધણીના કારીગર એવા અબ્દુલરહેમાન ખત્રીએ કચ્છની કલાને વિશ્વના મંચ પર એક નવી ઓળખ આપી છે.

બિહાર ફાઉન્ડેશન જાપાનના અપરાજિતા પ્રભા, સચિવ વિકાસ રંજન વગેરે હાજર રહ્યા હતા. જાપાનના મિથીલા મ્યુઝિયમના ડાયરેક્ટરે અબ્દુલરહેમાન ખત્રીના બનાવેલા 16 જેટલા બાંધણીના નમૂના સંગ્રહાલયમાં રાખવા માટે પસંદ કરાયા હતા. ભુજના વત્ર મંત્રાલયના રવિવીર ચૌધરી અને સ્ટાફનો પણ આભાર માન્યો હતો. જાપાન ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી પ્રમોશન એસોસીએશનએ 23થી 25 જુલાઈ દરમિયાન જાપાનના ટોક્યોમાં ઈન્ડિયા ટેક્સ ટ્રેન્ડ ફેરનું આયોજન કરાયું હતું. ભારતના એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલએ ઈન્ડિયા ટેક્સ ટ્રેન્ડ ફેરમાં ભાગ લેવાનો નિર્ણય કરેલો, જેના ભાગરૂપે કચ્છના અબ્દુલરહેમાન ખત્રીએ પોતાની બાંધણી કલા પ્રદર્શિત કરી હતી.

- Advertisement -
Share This Article