Meesho IPO Launch Details: દેશની જાણીતી ઈ-કોમર્સ કંપની મીશો ટૂંક સમયમાં શેરબજારમાં એન્ટ્રી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જો બધું બરાબર રહ્યું તો ડિસેમ્બર મહિનામાં કંપની પોતાનો IPO લોન્ચ કરી શકે છે. ઉદ્યોગ જગતના એક સૂત્રના જણાવ્યા અનુસાર, રોકાણકારો સાથેની ચર્ચા પછી કંપનીએ પોતાની વેલ્યુએશન નક્કી કરી લીધી છે. જલ્દી જ કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ માટે તૈયાર થઈ જશે. મીશો કંપનીએ જુલાઈ મહિનામાં ગુપ્ત રીતે SEBI પાસે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા.
મીશોના IPOની વિગતો
મીશો શેરબજારમાં ઉતરવાની તૈયારીમાં છે અને આ IPO દ્વારા કંપનીએ લગભગ ₹4,250 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. આ IPOમાં એટલી જ રકમનો ફ્રેશ ઇશ્યુ સામેલ હશે, જ્યારે કંપનીના કેટલાક જૂના રોકાણકારો પોતાના 17,56,96,602 શેર વેચવાની યોજના બનાવી રહ્યા છે.
Elevation, Prosus (Peak XV), Venture Highway અને Y Combinator જેવા રોકાણકારો પોતાના શેર વેચી શકે છે. મળતી માહિતી મુજબ, આ રોકાણકારો પોતાની હિસ્સેદારીનો આશરે 5થી 7 ટકા હિસ્સો બજારમાં ઉતારી શકે છે. IPOને આગળ વધારવાની જવાબદારી Kotak Investment Banking, JP Morgan, Axis Capital, Citi અને Morgan Stanley સંભાળી રહ્યું છે, જે બુક રનિંગ લીડ મેનેજર્સ હશે.
IPOથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ ક્યાં થશે?
મીશો IPOથી એકત્ર થયેલી રકમ Meesho Technologies Private Limited (MTPL)માં રોકાણ કરશે. કંપની IPOના પૈસાનો ઉપયોગ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને મશીન લર્નિંગ ટીમના પગાર, તેમજ માર્કેટિંગ અને કંપની બ્રાન્ડિંગ જેવી બાબતો પર કરવાની યોજના ધરાવે છે.

