મુંબઈ, તા. 22 : ભારે વેચવાલીનાં વાવાઝોડાંમાં મુંબઈ શેરબજારનો સૂચકાંક ઘટાડાને આગળ વધારતાં 930 અંક જેટલો પટકાતાં રોકાણકારોની સંપતિમાં રૂા. 9.20 લાખ કરોડનું મોટું ગાબડું પડયું હતું. સેન્સક્સ કારોબારને અંતે 930.55 અથવા 1.15 ટકા ગગડીને 80,220.72 બંધ થયો તે પહેલાં ઈન્ટ્રા-ડે 1001.74 અંક (1.23 ટકા) નીચે 80149.53ને સ્પર્શ્યો હતો.
એનએસઈ નિફ્ટી 309 અંક (1.25 ટકા) તૂટીને 24472 થયો હતો. બીએસઈ સ્મોલકેપ 2118 અંક (3.81 ટકા) ઘટીને 53530 અને મિડકેપ 1190 (2.52 ટકા) ઘટીને 45974 થઈ જતાં નાના રોકાણકારોના ચહેરા વિલાયા હતા. સેન્સેક્સમાં એમ એન્ડ એમ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પાવરગ્રીડ, ટાટા સ્ટીલ, ઈન્ડસ ઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એલ એન્ડ ટી, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સના ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે અને ઈન્ફોસિસ વધ્યા હતા.
નિફટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એમ એન્ડ એમ, ભારત ઈલેકટ્રોનિક્સ, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલના ભાવ ઘટયા હતા, જ્યારે ઈન્ફોસિસ, નેસ્લે અને આઈસીઆઈસીઆઈ બેન્કના ભાવ વધ્યા હતા. ઓટો, કેપિટલ ગૂડઝ, મેટલ પાવર, રિયાલ્ટી, ટેલિકોમ, મીડિયા અને પીએસયુ બેન્ક બેથી ત્રણ ટકા જેટલા ઘટયા હતા. લગભગ તમામ સૂચકાંકો ઘટયા હતા. એશિયન બજારોમાં સિઓલ અને ટોકિયો ઘટયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ વધ્યાં હતાં. યુરોપિયન બજારો ઘટવા તરફી હતાં.
એક્સચેંજના એક અહેવાલ મુજબ સોમવારે એફઆઈઆઈએ રૂા. 2261.83 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે ડીઆઈઆઈએ રૂા. 3225.91 કરોડના શેર ખરીદ્યા હતા. બીએસઈ ઉપર 160થી વધુ શેર બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા, જેમાં જીએફએલ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિગો પેઈન્ટસ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, એમસીએક્સ, પિલાની ઈન્વેસ્ટમેન્ટસ, ઓરિએન્ટ સિમેન્ટ, ટોરન્ટ પાવર, યુનિકેપ લેબ વગેરેનો સમાવેશ થાય છે.

