MP MLA Pension Scrapping: પૂર્વ સાંસદો અને ધારાસભ્યોની પેન્શન બંધ કરવાની માગ, શ્રીલંકાની જેમ ભારતમાં પણ સમીક્ષા કરવાની ચર્ચા

Arati Parmar
4 Min Read
MP MLA Pension Scrapping

MP MLA Pension Scrapping: પાડોશી દેશ શ્રીલંકાની સંસદે થોડા મહિના પહેલાં એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ફેબ્રુઆરીમાં સાંસદોએ પોતાની જ પેન્શન બંધ કરવાના ખરડાને ભારે બહુમતીથી મંજૂરી આપી હતી. આ ખરડાની તરફેણમાં 154 અને વિરોધમાં માત્ર બે મત પડ્યા હતા. આ સાથે વર્ષ 1977માં બનેલો એ કાયદો રદ થયો હતો, જેમાં સાંસદો માટે પેન્શનની જોગવાઈ હતી. હવે ભારતમાં પણ આવી જ માગ ઊઠી રહી છે. ભારતમાં પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને પેન્શનની સાથે અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે.

જાણીતા ઉદ્યોગપતિ અને RPG Enterprisesના ચેરમેન હર્ષ ગોએન્કાની એક પોસ્ટથી આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. ગોએન્કાએ X પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું, ‘શ્રીલંકાએ પોતાના સાંસદોની પેન્શન બંધ કરી દીધી છે. જાહેર પદ એક જવાબદારી છે, આજીવન મળતો કોઈ અધિકાર નથી. કરદાતાઓના પૈસાનો ઉપયોગ જનકલ્યાણ માટે થવો જોઈએ. ખાસ કરીને આરોગ્યસેવા અને શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કરવાની જરૂર છે. શું ભારતમાં પણ રાજકીય વિશેષાધિકારોની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે?’

- Advertisement -

શ્રીલંકાનું અનુસરણ કરવાની ચર્ચા

ગોએન્કાની આ પોસ્ટને આશરે 1.63 લાખ વખત જોવામાં આવી છે. વપરાશકર્તાઓએ તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. અરવિંદ સિંઘલ નામના એક વપરાશકર્તાએ લખ્યું હતું, ‘મિસ્ટર ગોએન્કા, પેન્શન કરતાં પણ વધુ ખરાબ બાબત ધારાસભ્યો અને સાંસદોને આજીવન મળતી સુવિધાઓ છે. પૂર્વ મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓનાં નિધન પછી પણ તેમના પરિવારોને સુવિધાઓ મળતી રહે છે.’

- Advertisement -

એસ. મુરલીધરન નામના એક વપરાશકર્તાએ લખ્યું હતું, ‘સાંસદો અને ધારાસભ્યો નિયમિત રીતે પોતાનો પગાર વધારતા રહે છે. આ સાથે તેમને સારી એવી પેન્શન પણ મળે છે. જો તમે એક દિવસ માટે સાંસદ બની જાઓ તો પણ 31 હજાર રૂપિયાની પેન્શન મેળવવાના હકદાર બની જાઓ છો. આ બધું એવા દેશમાં થઈ રહ્યું છે, જ્યાં મોટાભાગના વરિષ્ઠ નાગરિકો પાસે વૃદ્ધાવસ્થામાં આવકનો કોઈ આધાર નથી. આપણે શ્રીલંકાનું અનુસરણ કરવું જોઈએ.’

પૂર્વ સાંસદની પેન્શન

સંસદના પૂર્વ સભ્યને દર મહિને ઓછામાં ઓછા 31,000 રૂપિયાની પેન્શન મળે છે. આ ઉપરાંત, જો તેમણે સાંસદ તરીકે પાંચ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હોય તો દરેક વધારાના વર્ષ માટે દર મહિને 2,500 રૂપિયાની વધારાની પેન્શન પણ મળે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ બે વખત સાંસદ રહી હોય તો તેને 43,500 રૂપિયાની પેન્શન મળશે.

- Advertisement -

પેન્શનની સાથે પૂર્વ સાંસદોને અનેક પ્રકારની સુવિધાઓ પણ મળે છે. તેઓ દેશભરમાં ગમે ત્યાં રેલવેમાં એકલા ફર્સ્ટ ACમાં મફત મુસાફરી કરી શકે છે. જો તેમની સાથે કોઈ સાથી હોય તો તેઓ સેકન્ડ ACમાં મફત મુસાફરી કરી શકે છે. પૂર્વ સાંસદો અને તેમના પરિવારજનોને CGHS હેલ્થ સ્કીમનો લાભ પણ મળે છે. આ યોજના હેઠળ સરકારી અને યાદીમાં સામેલ ખાનગી હૉસ્પિટલોમાં મફત સારવાર મળે છે.

પૂર્વ MLAની પેન્શન

દેશનાં અલગ-અલગ રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોની પેન્શન અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે, હરિયાણા અને તેલંગાણામાં પ્રથમ કાર્યકાળના ધારાસભ્યને 50,000 રૂપિયાની પેન્શન મળે છે. ત્યારબાદ દરેક વધારાના વર્ષ માટે 2,000 રૂપિયા વધુ આપવામાં આવે છે. આ રીતે હરિયાણામાં અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા લોકોને દર મહિને 2.38 લાખથી 2.45 લાખ રૂપિયા સુધીની પેન્શન મળી શકે છે. જોકે, તેલંગાણામાં પેન્શનની મહત્તમ મર્યાદા 70,000 રૂપિયા છે.

પંજાબમાં ‘એક ધારાસભ્ય, એક પેન્શન’ સુધારા હેઠળ એકથી વધુ કાર્યકાળ માટે મળતી પેન્શનની જોગવાઈ બંધ કરી દેવામાં આવી છે. હવે પૂર્વ ધારાસભ્યોને દર મહિને ₹75,150ની નિશ્ચિત પેન્શન મળે છે. દિલ્હીમાં પૂર્વ ધારાસભ્યોને પ્રથમ કાર્યકાળ માટે દર મહિને ₹15,000 પેન્શન મળે છે. પ્રથમ કાર્યકાળ પછી સભ્યપદના દરેક વર્ષ માટે દર મહિને ₹1,000ની વધારાની પેન્શન આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં પૂર્વ ધારાસભ્યોની પેન્શન 35,000 રૂપિયા છે.

Share This Article