મુંદરા, તા. 5 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સંચાલિત સેવાઓમાં સતત નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. અદાણી પોર્ટ્સ મુંદરા રો-રો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જ્યો છે. તાજેતરમાં પોર્ટે એમવી મોર્નિંગ ક્લેર જહાજનું સફળતાપૂર્વક સંચાલન કરતાં 5,405 કારની સૌથી મોટી સિંગલ વ્હીકલ નિકાસ કરી છે.
દર કલાકે 116 કારની નિકાસ સાથે મુંદરા રો-રો (RORO) ટર્મિનલે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અદાણી પોર્ટ્સ મુંદરા રો-રો ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ પ્લેયર છે. રો-રો સુવિધા અંતર્ગત તે 100થી વધુ દેશમાં વાહનોની નિકાસ કરે છે. અદાણી પોર્ટ્સ ખાતેના શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની ટીમ દ્વારા જહાજની અંદર ખાસ પ્રકારના પાર્કિંગ અને સમયસર વાહન પરિવહનની કાર્યક્ષમતા ઊડીને આંખે વળગે તેવી છે.
પોર્ટ ઓપરેશન ટીમની સખત મહેનત અને સમર્પણનાં કારણે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ થઈ છે. 2009માં સ્થાપિત મુંદરા રો-રો ટર્મિનલ દિલ્હી એનસીઆર રાજસ્થાન અને ગુજરાત પ્રદેશોમાં સ્થિત ઓટોમોબાઈલ કંપનીઓ માટે ગેટવે પોર્ટ તરીકે સેવા આપે છે. રાઉન્ડ-ધ-ક્લોક ટર્મિનલ દુનિયાભરના અનેક દેશોમાં કાર, બસ અને ટ્રકની નિકાસનું સંચાલન કરે છે.
ભારતમાં અનન્ય એવુ મુંદરા રો-રો ટર્મિનલ અલ્ટ્રા મોર્ડન ફ્લાટિંગ પોન્ટૂન અને લિન્ક સ્પાનથી સુસજ્જ છે. વળી તેમાં બફર યાર્ડની સાથે પાર્કિંગ અને વાહનો ધોવા માટે ધોવાની સુવિધા પણ છે. નોંધનીય છે કે, મલ્ટિમોડેલ કનેક્ટિવિટી સાથે મુંદરા બંદર ભારતના મુખ્ય આર્થિક પ્રવેશદ્વાર સમાન છે. તે દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારને આયાત-નિકાસ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે.

