100 વર્ષનો વારસો ધરાવતી Sosyoમાં Reliance 50% હિસ્સો હસ્તગત કરશે
Wednesday, 04 January 2023
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (“RCPL”) જાહેરાત કરી છે કે, તે ગુજરાતમાં મુખ્યમથક ધરાવતી સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ (SHBPL)માં 50% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરશે. આ કંપની ફ્લેગશિપ બ્રાન્ડ ‘Sosyo’ હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલના પ્રમોટરો, હજૂરી પરિવારની SHBPLમાં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે.
સોસીયો એ કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસમાં લગભગ 100 વર્ષનો વારસો ધરાવતી હેરિટેજ ભારતીય બ્રાન્ડ છે. અબ્બાસ અબ્દુલરહીમ હજૂરી દ્વારા 1923માં સ્થપાયેલી કંપની સ્થાનિક સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં અગ્રણી સ્પર્ધકોમાં સ્થાન ધરાવે છે.
અબ્બાસ હજૂરી અને તેમના પુત્ર અલીઅસગર હજૂરી દ્વારા સંચાલિત SHBPLના પોર્ટફોલિયોમાં સોસીયો, કાશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા અને S’eau (સ’ઉ) સહિત અનેક પીણાની બ્રાન્ડ્સ ધરાવે છે, કંપનીએ ફોર્મ્યૂલેશન ડેવલપ કરવાની તેની મજબૂત કુશળતાના આધારે 100થી વધુ ફ્લેવર્સ લોન્ચ કરી છે. સોસીયો બ્રાન્ડ ગુજરાતમાં મજબૂત વફાદાર ગ્રાહક સમૂહનો આધાર ધરાવે છે.
આ મૂડીરોકાણ અંગે બોલતાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝેક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે, “આ રોકાણ અમને સ્થાનિક હેરિટેજ બ્રાન્ડ્સને સશક્ત બનાવવાના અમારા વિઝનને આગળ વધારવામાં અને તેમને નવી વૃદ્ધિની તકો સાથે આગળ આવવામાં મદદ કરે છે. અમે અમારા કન્ઝ્યુમર બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સદી જૂની સોસીયોની સ્વદેશી હેરિટેજ બેવરેજ બ્રાન્ડ્સની સામર્થ્યને આવકારીએ છીએ અને અમને વિશ્વાસ છે કે અમારું જ્ઞાન, ગ્રાહકરૂચિ પ્રત્યેની આંતરદૃષ્ટિ અને છૂટક બજારમાંની વિતરણ ક્ષમતા સોસીયોના વિકાસની ગતિને વેગ આપવામાં મદદ કરશે.”
