India Import Reduction Strategy: પશ્ચિમ એશિયામાં બગડતી સ્થિતિ અને ભૂ-રાજકીય જોખમો વચ્ચે સરકાર અર્થતંત્ર માટે જરૂરી વસ્તુઓની આયાત ઘટાડવા માટે અનેક પગલાં લઈ રહી છે. તેમનો હેતુ સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવાનો અને કરન્સી પરનું દબાણ ઓછું કરવાનો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી જણાવાયું છે કે વડાપ્રધાન કાર્યાલય (PMO) એ મુખ્ય મંત્રાલયોને એવી વસ્તુઓની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના માટે આયાત પર નિર્ભરતા વધારે છે અને જેને સ્થાનિક રીતે બનેલા ઉત્પાદનોથી બદલી શકાય છે. સરકાર ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અને અન્ય પ્રોત્સાહન આપવા પર વિચાર કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ૧૦૦ થી વધુ ઉત્પાદનોની સૂચિ તૈયાર કરી રહ્યું છે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ, કેમિકલ, જરૂરી દવાઓ, ફર્ટિલાઈઝર, સેમીકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને મશીનરી સામેલ છે. દેશમાં આ વસ્તુઓનું ઉત્પાદન વધારી શકાય છે. અનેક મંત્રાલયો વચ્ચે આ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કેવી રીતે સામે આવી નબળાઈ?
ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેબિનેટે બુધવારે ચિપ અને સ્માર્ટફોન ઉત્પાદન માટે ૧.૯ લાખ કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપી છે. સાથે જ દેશમાં ફર્ટિલાઈઝર ઉત્પાદન વધારવાની નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતનું મેન્યુફેક્ચરિંગ મોટાભાગે વિદેશો, ખાસ કરીને ચીનથી આવતા કાચા માલ પર નિર્ભર છે. આથી સપ્લાયમાં અવરોધ આવતા આ ઈન્ડસ્ટ્રી નબળી પડી જાય છે. ગયા વર્ષે ઓટો અને ટેક ઈન્ડસ્ટ્રીમાં આવું જોવા મળ્યું હતું.
ઈરાન યુદ્ધે ભારતની નિર્ભરતાને વધુ ઉજાગર કરી દીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉર્જાની ભારે અછત અને આયાત બિલમાં જંગી વધારો થયો છે. જેના કારણે રૂપિયામાં ભારે ઘટાડો આવ્યો છે. ભારતે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન લગભગ $૭૭૫ બિલિયન મૂલ્યના સામાનની આયાત કરી હતી. જેમાંનો લગભગ પાંચમો ભાગ એકલા ચીનથી આવ્યો હતો. ઘરેલુ ક્ષમતા વધારવી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક એજન્ડાનો એક મહત્વનો ભાગ છે.
કોણ કરી રહ્યું છે મથામણ?
તેનો હેતુ વ્યાપાર ખાધ (Trade Deficit) ઘટાડવાનો, વિદેશી મુદ્રા બચાવવાનો અને ભારતને ચીનના વિકલ્પ તરીકે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. સૂત્રોનું કહેવું છે કે શક્તિકાંત દાસની આગેવાની હેઠળની એક ટાસ્ક ફોર્સ અર્થતંત્ર માટે ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુશનનું બ્લૂપ્રિન્ટ તૈયાર કરી રહી છે. મોદીએ મુખ્ય સરકારી મંત્રાલયોને એવા ક્ષેત્રોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં ભારત વધુ કુશળતાથી અને ઓછી કિંમતે સામાન બનાવી શકે છે.
સરકાર દેશમાં ફેક્ટરી સ્થાપવા માટે ખાનગી અને વિદેશી રોકાણકારોને મેન્યુફેક્ચરિંગ ઈન્સેન્ટિવ આપવા પર વિચાર કરી શકે છે અથવા સરકારી કંપનીઓ સાથે જોઈન્ટ વેન્ચર દ્વારા પોતાની ક્ષમતા વધારવા માટે કહી શકે છે. મોદીના કાર્યાલય અને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ આ અંગે ઈમેઈલનો જવાબ આપ્યો નથી.
ક્યાં છે આયાત ઘટાડવાની શક્યતા?
કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે રાજ્યો અને ઈન્ડસ્ટ્રીને એવા પ્રોડક્ટની ઓળખ કરવા કહ્યું છે જેને દેશમાં કોમ્પિટિટિવ રીતે બનાવી શકાય. અધિકારીઓનું કહેવું છે કે ક્રૂડ ઓઈલ, સોના અને જરૂરી ખનિજોની આયાતમાં ઘટાડો કરવો મુશ્કેલ છે, પરંતુ સરકાર કૃષિ સુધારા દ્વારા કઠોળ અને ખાદ્ય તેલ પર નિર્ભરતા ઘટાડવાની શક્યતા જોઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે જે સેક્ટરમાં આયાતને તાત્કાલિક બદલવી શક્ય નથી, ત્યાં સરકાર ઘરેલુ ઉત્પાદન વધારવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવી શકે છે. સરકાર આગામી ત્રણ વર્ષમાં ફર્ટિલાઈઝરની આયાતમાં ૩૦% નો ઘટાડો લાવવાનું લક્ષ્ય રાખી રહી છે. બંધ પડેલા અનેક ફર્ટિલાઈઝર પ્લાન્ટ્સને ફરીથી શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે અને કેટલાક પ્રોજેક્ટ્સ આગામી વર્ષ સુધી પૂરા થવાની આશા છે.

