Russia Oil Revenue Iran War 2026: દુનિયા બેહાલ, રશિયા માલામાલ! ઈરાન યુદ્ધથી દરરોજ થઈ રહી છે $150 મિલિયનની વધારાની કમાણી

Arati Parmar
4 Min Read

Russia Oil Revenue Iran War 2026: ઈરાન યુદ્ધના કારણે કાચા તેલ (Crude Oil) ની કિંમતમાં ભારે તેજી આવી છે. તાજેતરમાં તે 120 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું હતું અને અત્યારે પણ 100 ડોલરને પાર ટ્રેડ કરી રહ્યું છે. ઈરાન અને અમેરિકા/ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગના કારણે હોર્મુઝની ખાડી થી જહાજોની અવરજવર બંધ છે. દુનિયાનું લગભગ 20 ટકા તેલ આ જ રસ્તેથી પસાર થાય છે. સપ્લાય ટાઈટ થવાને કારણે કાચા તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. આનાથી દુનિયા પરેશાન છે પરંતુ રશિયા જોરદાર કમાણી કરી રહ્યું છે. તે પ્રીમિયમ પર પોતાનું તેલ વેચીને દરરોજ 150 મિલિયન ડોલરની વધારાની કમાણી કરી રહ્યું છે. માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં તેની વધારાની કમાણી 4 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

ઈરાન યુદ્ધ પહેલા રશિયાનું તેલ ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું હતું. પરંતુ હોર્મુઝની ખાડીમાંથી તેલની સપ્લાય બંધ થતા જ રશિયન તેલની ડિમાન્ડ વધી ગઈ. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશોને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી દીધી છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટનો દાવો છે કે આનાથી રશિયાને વધુ નાણાકીય ફાયદો થશે નહીં. પરંતુ જાણકારોનું કહેવું છે કે રશિયાને તેલ અને ગેસથી 10 અબજ ડોલરની વધારાની કમાણી થઈ શકે છે અને આનાથી તે યુક્રેન યુદ્ધનું ફંડિંગ કરી શકે છે.

- Advertisement -

રશિયાની કમાણી

શિપિંગ ડેટા અને તેલની કિંમતોમાં ઉછાળાથી રશિયાની તેલ અને ગેસથી થતી કમાણી માર્ચમાં ફેબ્રુઆરીની સરખામણીએ બે-તૃતીયાંશ વધી શકે છે. રશિયાના યુરાલ ક્રૂડ (Urals Crude) ની કિંમત ઈરાન યુદ્ધ શરૂ થયા પછી લગભગ 50 ટકા વધી ચૂકી છે. ‘Kpler’ ના આંકડા મુજબ, ફેબ્રુઆરીમાં રશિયા સમુદ્રના રસ્તે દરરોજ 3.18 મિલિયન બેરલ તેલ મોકલી રહ્યું હતું. માર્ચમાં આ આંકડો વધીને 4.56 મિલિયન બેરલ પહોંચી ગયો છે.

અગાઉ અમેરિકી પ્રતિબંધોના કારણે રશિયાની એનર્જી રેવન્યુમાં ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં રશિયાને પોતાનું તેલ બ્રેન્ટ ક્રૂડની સરખામણીએ 10 ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર વેચવું પડી રહ્યું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રશિયન તેલ હવે 5 ડોલર પ્રતિ બેરલના પ્રીમિયમ પર મળી રહ્યું છે. ઈરાનમાં યુદ્ધના કારણે એશિયાના ઘણા દેશોમાં તેલની સમસ્યા ઊભી થઈ છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ જેવા દેશો પણ હવે રશિયન તેલ ખરીદવાની તૈયારીમાં છે. અત્યાર સુધી રશિયાનું 93 ટકા તેલ માત્ર ત્રણ દેશો – ચીન, ભારત અને તુર્કીને જતું હતું.

- Advertisement -

કાચા તેલની કિંમત

યુક્રેન યુદ્ધ પછી જ્યારે પશ્ચિમી દેશોએ રશિયન તેલ અને ગેસ પર પાબંધી લગાવી તો રશિયાએ ભારત અને ચીનને ડિસ્કાઉન્ટ પર તેલ વેચવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની ગયું. પરંતુ અમેરિકી દબાણને કારણે ભારતે તાજેતરમાં રશિયન તેલની ખરીદી ઘટાડી હતી, છતાં તે હજુ પણ ભારતનો સૌથી મોટો સપ્લાયર છે. અમેરિકી છૂટછાટ બાદ ભારતીય કંપનીઓએ 30 મિલિયન બેરલથી વધુ રશિયન ક્રૂડ ખરીદ્યું છે.

શુક્રવારે કાચું તેલ તેજી સાથે બંધ થયું. બ્રેન્ટ ક્રૂડ 2.68 ડોલર એટલે કે 2.67 ટકા તેજી સાથે 103.1 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું. જ્યારે WTI ક્રૂડ 3.11 ટકા વધીને 98.71 ડોલર પર પહોંચી ગયું. આ દરમિયાન અમેરિકાએ ઈરાનના ખર્ગ આઈલેન્ડમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન નહીં માને તો તેના તેલ મથકોને નિશાન બનાવી શકાય છે. આનાથી ભવિષ્યમાં તેલની કિંમતો હજુ વધી શકે છે.

- Advertisement -
Share This Article