શેરોમાં કડાકો, સેન્સેક્સ 984 અંક તૂટી ચાર મહિનાનાં નીચાં સ્તરે આવી ગયો

Reena Brahmbhatt
3 Min Read

મુંબઈ, તા. 13 : છૂટક મોંઘવારી 14 મહિનાનાં ઊંચાં સ્તરે પહોંચવા ઉપરાંત વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ચાલુ રહેલી નફા તારવણીની દેખીતી અસર રૂપે શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ ગઈકાલના બંધથી 984 અંક તૂટી ચાર મહિનાનાં નીચાં સ્તરે આવી ગયો હતો. રોકાણકારોએ 7.34 લાખ કરોડની સંપત્તિ ગુમાવી હતી. બે દિવસની મંદીએ રોકાણકારોના કુલ 13 લાખ કરોડ રૂા. સાફ કર્યા હતા, તો સેન્સેક્સ પણ બે દિવસમાં 1805.2 અંક (2.27 ટકા) તૂટી પડયો હતો. છેલ્લા દોઢ મહિનાના ઘટાડામાં રોકાણકારોની લગભગ રૂા. 50 લાખ કરોડની મૂડી ધોવાઈ ગઈ છે. નાના રોકાણકારોના આધારસમા મિડકેપ-સ્મોલકેપ શેરો સર્વાધિક તૂટતાં આ વર્ગ ચિંતાના ઓથારતળે આવ્યો છે.

બીએસઈ મિડકેપ 1160.44 અંક (2.56 ટકા) ઘટીને 44107.98 અને સ્મોલકેપ 1651.69 અંક (3.08 ટકા) ગગડીને 51952.79 બંધ રહ્યો હતો.દિવસ દરમ્યાન સેન્સેક્સ 1141.88 અંક અથવા 1.45 ટકા ઘટીને 77,533.30 પોઈન્ટ્સ પર આવી ગયો હતો. એનએસઈનો નિફ્ટી 324.40 પોઈન્ટ અથવા 1.36 ટકા ઘટીને 23,559.05 પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો. લગભગ 628 શેર વધ્યા હતા, 3180 શેર ઘટયા હતા અને 92 શેર યથાવત્ રહ્યા હતા. ઘટાડાનાં મુખ્ય કારણોમાં ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો 6.21 ટકાની 14 મહિનાની ટોચે પહોંચ્યો હતો અને વિદેશી ફંડ્સની સતત વેચવાલી રહી હતી. કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ ઘટાડાનાં કારણ રહ્યાં હતાં. ટ્રેડર્સે જણાવ્યું હતું કે, કંપનીઓની સપાટ ત્રિમાસિક કામગીરી, એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા આગલી હરોળના તથા મેટલ શેરોમાં વેચવાલી સાથે અમેરિકન અને એશિયન શેરબજારોમાં પણ સમાન વલણને કારણે બજારનાં સેન્ટિમેન્ટને અસર થઈ છે.

- Advertisement -

30 શેર સેન્સેક્સમાંથી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઇન્ડ્સઇન્ડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સૌથી વધુ ઘટયા હતા. ટાટા મોટર્સ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ફોસીસ વધ્યા હતા. ઓટો, બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, મીડિયા અને રિયલ્ટી સેક્ટરમાં તીવ્ર ઘટાડા સાથે તમામ 13 મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડે બંધ થયા હતા, જે 2-3 ટકા ઘટયા હતા. એક્સેલ રિયલ્ટી, હિકલ, ઓસીસીએલ, શ્યામ ટેલિકોમ અને યુનિકેમ લેબ્સ સહિતના ઘણા શેરો બીએસઈ પર બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. દરમ્યાન ટાપરિયા ટૂલ્સ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, અલકાર્ગો, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઈલેક્ટ્રિક, બંધન બેન્ક, દિલ્હીવરી, ક્રેડિટએક્સેસ ગ્રામીણ, જેકે લક્ષ્મી સિમેન્ટ, પીએનસી ઈન્ફ્રા અને વોડાફોન આઈડિયા તેમના બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા.

Share This Article