SIP accounts: સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) રજિસ્ટ્રેશનમાં ઝડપી વૃદ્ધિ છતાં એસઆઈપી ખાતાઓના અકાળ બંધ થવાનો દર પણ વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૩.૪૮ કરોડ નવા એસઆઈપી રજિસ્ટ્રેશન થયા હતા પરંતુ ૨૦૨૪ના અંત સુધીમાં આ એસઆઈપી એકાઉન્ટ્સમાંથી ફક્ત ૧.૮૨ કરોડ જ એક્ટિવ રહ્યાં હતા. આ આંકડો સ્પષ્ટ કરે છે કે લગભગ ૪૮ ટકા એસઆઈપી એકાઉન્ટ્સ રજિસ્ટ્રેશનના બે વર્ષમાં બંધ થઈ ગયા હતા.
અગાઉના વર્ષો સાથે આ ડેટાની સરખામણી કરીએ તો ૨૦૨૨માં નોંધાયેલા ૨.૫૭ કરોડ એસઆઈપી ખાતાઓમાંથી ૪૨ ટકા ૨૦૨૩ના અંત સુધીમાં બંધ થઈ ગયા હતા. આ આંકડા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના માસિક અહેવાલમાંથી મેળવવામાં આવ્યા છે.
એસઆઈપી અંગે ઉદ્યોગ અને રોકાણ નિષ્ણાતો કહે છે કે લાંબાગાળા માટે રોકાણના ફાયદાઓને ધ્યાનમાં લેતા રોકાણને ૩ વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખવું આદર્શ માનવામાં આવે છે. જોકે તાજેતરના વર્ષોમાં ઓનલાઈન અને ફિનટેક પ્લેટફોર્મના વધતા શેરને કારણે એસઆઈપી ખાતા બંધ થવાનો દર વધી રહ્યો છે. આ પ્લેટફોર્મ દ્વારા ઓફર કરવામાં આવતી સરળ રોકાણ પ્રક્રિયા અને કમિશન-મુક્ત ડાયરેક્ટ પ્લાનને કારણે રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વધુને વધુ વૈવિધ્યીકરણ લાવી રહ્યાં છે.
આ સિવાય કોરોના મહામારી બાદના રોકાણમાં ઈન્વેસ્ટર્સને ૨૦૨૪ના અંતે મળી રહેલા બમ્પર રિટર્નનો લાભ પણ ઉઠાવવામાં આવ્યો હોવાનું જણાય છે. બજારમાં ૨૦૨૪માં આવેલા બે-ત્રણ આંચકાના કારણે રોકાણકારોનું માનસ ખરડાતા એસઆઈપી બંધ થવાનો રેશિયો એકંદરે વધ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.માર્ચ ૨૦૨૪ સુધીમાં ૨૧.૨ ટકા રેગ્યુલર સ્કીમના રોકાણકારોનો હોલ્ડિંગ સમયગાળો ૫ વર્ષથી વધુ હતો, જ્યારે ડાયરેક્ટ સ્કીમોમાં આ આંકડો ફક્ત ૭.૭ ટકા હતો. ૨૦૧૩માં રજૂ કરાયેલા ડાયરેક્ટ પ્લાનનો હોલ્ડિંગ પીરિયડ પ્રમાણમાં ઓછો હતો.
૨૦૨૪માં એક્ટિવ એસઆઈપી ખાતાઓની સંખ્યા ૧૦ કરોડને વટાવી ગઈ છે પરંતુ શેરબજારમાં તાજેતરના ઘટાડાને કારણે એસઆઈપી રજિસ્ટ્રેશનની ગતિ ધીમી પડી ગઈ છે.

