Success Story: પરાળીમાંથી કરોડોનો વ્યવસાય, IITના બે સ્નાતકોએ શરૂ કર્યું અનોખું સ્ટાર્ટઅપ

Arati Parmar
4 Min Read

Success Story: દર વર્ષે શિયાળાની મોસમ આવતાં જ હાહાકાર મચે છે. પંજાબ અને હરિયાણાનાં ખેતરોમાં સળગાવવામાં આવતી પરાળી દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત માટે ઝેરી ધુમાડા અને વાયુ પ્રદૂષણનું મોટું કારણ બની જાય છે. પરંતુ, આ જ કૃષિ કચરાને IITના બે સ્નાતકોએ મોટી તક તરીકે જોયો. તેમનાં નામ આનંદ બોધ અને અર્પિત ધૂપર છે. વર્ષ 2020માં બંનેએ સાથે મળીને ‘ધરક્ષા ઇકોસોલ્યુશન્સ’નો પાયો નાખ્યો. આ કંપની પરાળીનો ઉપયોગ કરીને જૈવિક રીતે વિઘટન પામે તેવી પૅકેજિંગ સામગ્રી તૈયાર કરે છે. તે પર્યાવરણને નુકસાન પહોંચાડતા થર્મોકોલનું સ્થાન લઈ શકે છે. આજે આ સ્ટાર્ટઅપ પ્રદૂષણનો સામનો કરવામાં મદદ કરવાની સાથે દર વર્ષે આશરે 2.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર પણ હાંસલ કરી રહ્યું છે. ચાલો, અહીં આનંદ બોધ અને અર્પિત ધૂપરની સફળતાની સફર વિશે જાણીએ.

આ રીતે આવ્યો વિચાર

આનંદ બોધ અને અર્પિત ધૂપર છેલ્લાં 13 વર્ષથી વધુ સમયથી વિવિધ પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરી રહ્યા હતા. તેમણે જોયું કે ખેડૂતો ડાંગરની કાપણી પછી આગામી પાક માટે ખેતરો તૈયાર કરવા પરાળી સળગાવવા મજબૂર બને છે. આર્થિક અને વ્યવહારુ મજબૂરીઓને કારણે આવું થતું હતું. આ જોઈને બંનેએ આ સમસ્યાના ઉકેલ માટે પોતાની એન્જિનિયરિંગ ક્ષમતાનો ઉપયોગ કર્યો. તેમણે પોતાની વ્યક્તિગત બચતમાંથી પોતાના વ્યવસાયનો પાયો નાખ્યો. ત્યારબાદ ઝેરોધાના સહ-સ્થાપક નિતિન કામથ અને મેકમાયટ્રિપના ભૂતપૂર્વ અધિકારી અંશુમાન બાપના જેવા એન્જલ રોકાણકારોએ પણ તેમાં નાણાંનું રોકાણ કર્યું. કંપનીનું નામ ‘ધરક્ષા’ હિન્દીના બે શબ્દો ‘ધરા’ (પૃથ્વી) અને ‘રક્ષા’ને જોડીને બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ પૃથ્વીની રક્ષા થાય છે.

- Advertisement -

વિકસાવી ખાસ ટેક્નિક

કંપની પરાળીને મજબૂત પૅકેજિંગના માળખામાં ઢાળવા માટે મશરૂમના મૂળના જાળ એટલે કે ‘માયસેલિયમ’નો ઉપયોગ કરે છે. સૌથી પહેલાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાસેથી એગ્રીગેટર્સ દ્વારા પરાળી એકત્રિત કરીને તેના ગાંસડાં બનાવવામાં આવે છે. ત્યારબાદ પરાળીને બારીક કાપીને વરાળથી તેની પ્રક્રિયા કરવામાં આવે છે. પછી તેમાં ખાસ રીતે વિકસાવવામાં આવેલું મશરૂમ માયસેલિયમ ઉમેરવામાં આવે છે. તે પરાળીનાં રેસાઓને એકબીજા સાથે બાંધવાનું કામ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આશરે 10 દિવસનો સમય લાગે છે. બજારમાં ઉપલબ્ધ મશરૂમની જાતોમાં જરૂરી ગુણધર્મો ન હોવાથી કંપનીએ પોતાની ખાસ જાત પણ વિકસાવી છે.

પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ

આ ટેક્નિકથી તૈયાર થતી પૅકેજિંગ સામગ્રી પરિવહન દરમિયાન સામાનને પૂંઠાનાં બૉક્સમાં સુરક્ષિત રાખવા માટે થર્મોકોલનો એકદમ યોગ્ય વિકલ્પ છે. જરૂરિયાત પ્રમાણે તેને અલગ-અલગ આકાર અને ડિઝાઇનમાં ઢાળી શકાય છે. સામાન્ય માટીના સંપર્કમાં આવતાં આ સામગ્રી આશરે 60 દિવસમાં સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય છે. જ્યારે તેની ઉપયોગી આયુષ્ય 3 વર્ષથી વધુ છે. એટલું જ નહીં, આ સામગ્રી ભેજ અને ગરમી સામે પ્રતિકારક હોવાની સાથે આગથી બચાવનાર અને એન્ટિ-સ્ટેટિક ગુણધર્મો પણ ધરાવે છે.

- Advertisement -

થઈ રહી છે જોરદાર કમાણી

કંપની પંજાબ અને હરિયાણાના એવા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપે છે, જ્યાં પાકના અવશેષો (ક્રોપ રેસિડ્યુ) સળગાવવાની સમસ્યા સૌથી વધુ છે. વર્ષ 2023ના એક અહેવાલ અનુસાર, કંપનીએ એક જ મોસમમાં 250 એકરથી વધુ જમીનમાંથી આશરે 750 ટન પરાળી એકત્રિત કરી હતી. કંપનીનાં પૅકેજિંગ ઉત્પાદનો વિવિધ કદમાં ઉપલબ્ધ છે. તેમની કિંમત કદના આધારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, આ સામગ્રીમાંથી બનાવેલા 6 ઇંચના નાના કૂંડાની કિંમત આશરે 30 રૂપિયા છે. સામાન્ય કાચના જારના પૅકેજિંગનો ખર્ચ આશરે 10 રૂપિયા થાય છે. જ્યારે મોટા ટુકડાઓની કિંમત 250 રૂપિયા સુધી હોઈ શકે છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર આશરે 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

- Advertisement -
Share This Article