Stock Market Closing Bell: ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી યુદ્ધની ભીતિ વચ્ચે ભારતીય શેરબજાર આજે સ્થિર રહ્યા હતાં. સેન્સેક્સ આજે 907.15 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 105.71 પોઈન્ટના ઉછાળે 80746.78 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ ફ્લેટ 34.80 પોઈન્ટના નજીવા સુધારા સાથે 24414.40 પર બંધ રહ્યો હતો.
રોકાણકારોની મૂડીમાં વધારો
ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી 90 આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. જેના પગલે શેરબજારમાં વોલેટિલિટી વધી હતી. સેન્સેક્સ આજે 500થી વધુ પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 203.56 પોઈન્ટ સુધર્યો હતો. ઈન્ટ્રા ડે 907.15 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બીએસઈ ખાતે રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડ વધી હતી. નિફ્ટી 50 પણ 24200ના લેવલે પહોંચ્યા બાદ અંતે 24400ની ટેક્નિકલ સપાટી જાળવવા સફળ રહ્યો હતો. જે તેજીને ટેકો આપે છે.
જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભીતિ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ફેડ ચેરમેન જેરોમ પોવેલની ફુગાવો, ટેરિફ મુદ્દે સ્પીચ પર નજર રાખી રહ્યા છે. જો કે, છેલ્લા 14 ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 43900 કરોડનું રોકાણ નોંધાવ્યું છે. જેનો શેરબજારને ટેકો મળ્યો છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓટો, રિયાલ્ટી ઈન્ડેક્સમાં 1 ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. જ્યારે અન્ય ઈન્ડેક્સ નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતાં.