આ રીતે બદલાઈ ગયો માર્ગ
પ્રસાદ રામચવરે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના અલંકા ગામના રહેવાસી છે. તેમના પરિવાર પાસે 15 એકર વારસાગત ખેતીની જમીન હતી. ત્યાં કઠોળ અને ચોખા ઉગાડવામાં આવતાં હતાં. જોકે, પરિવારની નવી પેઢી નોકરીઓ તરફ વળી ચૂકી હતી. પરંતુ, 2017માં પહેલી વાર ડ્રેગન ફ્રૂટ ચાખ્યા પછી પ્રસાદને તેમાં રસ જાગ્યો. વર્ષ 2021માં લૉકડાઉન દરમિયાન જ્યારે અભ્યાસ ઑનલાઇન ચાલી રહ્યો હતો, ત્યારે પ્રસાદે પોતાના પિતાને આ વ્યાવસાયિક પાકની ખેતી કરવા માટે રાજી કર્યા. ફાર્મસીમાં માસ્ટર્સ ડિગ્રી હોવાને કારણે મિત્રો અને શિક્ષકોએ તેમને એ જ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી. પરંતુ, પ્રસાદે ખેતીને પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કરી.
એક ઇન્ટરવ્યૂમાં પ્રસાદે કહ્યું, ‘શરૂઆતમાં લોકો મને પ્રશ્નો પૂછતા હતા – ‘તમે B.Pharm અને M.Pharm પૂર્ણ કરી લીધું છે, તો તમે ખેતીમાં કેમ જઈ રહ્યા છો?’ તમારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં નોકરી કરવી જોઈએ. મારા કેટલાક શિક્ષકો અને મિત્રોએ પણ મને કહ્યું કે ખેતીને પ્લાન B તરીકે રાખો. તમારી કારકિર્દી પર ધ્યાન આપો.’
ઇન્સ્ટાગ્રામ આવ્યું કામમાં
જુલાઈ 2021માં પ્રસાદે લગભગ 3 લાખ રૂપિયાનું રોકાણ કરીને સોલાપુર અને ગુજરાતમાંથી જમ્બો રેડ અને એલિસ રેડ પ્રજાતિના 6,300 છોડ ખરીદ્યા. 2 એકર જમીન પર હાઈ-ડેન્સિટી ટ્રેલિસ સિસ્ટમ, સિમેન્ટના થાંભલા, જૈવિક ખાતર (જીવામૃત, ગૌ કૃપા અમૃત) અને ડ્રિપ ઇરિગેશનની વ્યવસ્થા કરવામાં આવી. જોકે, અકોલામાં ઉનાળા દરમિયાન તાપમાન 46–47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ કાળઝાળ ગરમી અને ફૂગની સમસ્યાને કારણે શરૂઆતના તબક્કામાં 500 છોડ બગડી ગયા. સ્થાનિક સ્તરે યોગ્ય માર્ગદર્શન ન મળતાં પ્રસાદે સંશોધન પત્રો વાંચ્યા. ઇન્સ્ટાગ્રામ દ્વારા વિયેતનામના ખેડૂતોનો સંપર્ક કરીને ફૂગના ચેપ અને તાપમાન નિયંત્રણની સમસ્યાઓના ઉકેલો શોધી કાઢ્યા.
અન્ય ખેડૂતોની આંખો ખૂલી
છોડનું વાવેતર કર્યાના 11 મહિના પછી જ પહેલો પાક તૈયાર થઈ ગયો. તેમાંથી શરૂઆતમાં લગભગ 2 ટન ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું અને 1.5 લાખ રૂપિયાની કમાણી થઈ. પ્રથમ સફળતા પછી આસપાસના ડઝનબંધ ખેડૂતો તેમની ખેતી જોવા આવવા લાગ્યા. આજે પ્રસાદ પોતાની 17 એકર જમીન પર ડ્રેગન ફ્રૂટની વિવિધ પ્રજાતિઓ ઉપરાંત ચંદનનાં 1,600 વૃક્ષો, સીતાફળનાં 1,700 છોડ, 800થી વધુ આંબાનાં વૃક્ષો, નારંગી, મોસંબી, ઍવોકાડો, સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને પરંપરાગત પાક ઉગાડી રહ્યા છે. તેમના ખેતરમાં ડ્રેગન ફ્રૂટની લગભગ 28 જાતો પર પરીક્ષણ પણ ચાલી રહ્યું છે.
આજે દર વર્ષે કરે છે લાખોની કમાણી
શરૂઆતમાં સ્થાનિક ફળવિક્રેતાઓની અનિચ્છાને ધ્યાનમાં રાખીને પ્રસાદે સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વિઝિટિંગ કાર્ડ અને જિમ તથા ડૉક્ટરોના નેટવર્કનો ઉપયોગ કર્યો. જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 80-100 રૂપિયા હતો. જ્યારે સીધા વેચાણથી તેમને પ્રતિ કિલો 200 રૂપિયા સુધીનો ભાવ મળ્યો. હાલમાં તેઓ જથ્થાબંધ અને છૂટક બંને માધ્યમોથી વેચાણ કરે છે. ડ્રેગન ફ્રૂટ અને અન્ય પાકોના વેચાણથી તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે જાળવણીનો વાર્ષિક ખર્ચ આશરે 2.5-3 લાખ રૂપિયા થાય છે.

