Success Story of Mukesh Maanjoo: NSG કમાન્ડો મુકેશ માંજૂની સફળતા, પિલાનીમાં 75 એકરમાં ઓર્ગેનિક ખેતીથી વર્ષે ₹2 કરોડની કમાણી

Arati Parmar
3 Min Read

Success Story of Mukesh Maanjoo: મુકેશ માંજૂ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના વતની છે. તેઓ NSG કમાન્ડો રહી ચૂક્યા છે. સેનાની નોકરી બાદ તેમણે પિલાનીમાં ઓર્ગેનિક ખેતીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે લગભગ 75 એકરમાં ફેલાયેલું તેમનું ‘માંજૂ ફાર્મ્સ’ ખજૂર, જૈતૂન, કિન્નૂ અને ઔષધીય પાકોની ખેતી સાથે એગ્રો-ટૂરિઝમ દ્વારા દર વર્ષે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ચાલો, અહીં મુકેશ માંજૂની સફળતાની સફર વિશે જાણીએ.

ખેતીમાં રસ કેવી રીતે જાગ્યો

પિલાનીના રહેવાસી મુકેશ માંજૂનો પરિવાર પરંપરાગત ખેતી સાથે સંકળાયેલો હતો. તેમણે 2001માં બિરલા સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું હતું. ત્યારબાદ રાજસ્થાન યુનિવર્સિટીમાં BAમાં પ્રવેશ લીધો હતો. પરંતુ બીજા જ વર્ષમાં, ડિસેમ્બર 2002માં, તેમણે ભારતીય સેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. સિગ્નલ બ્રાન્ચમાં સેવા આપ્યા બાદ તેઓ 2008માં કમાન્ડો તરીકે NSGમાં જોડાયા હતા. સેનામાં ફરજ દરમિયાન મધ્ય પૂર્વના દેશોની મુલાકાતો અને વિશેષ દળો સાથેની તાલીમે તેમને ખેતી અને ખાસ કરીને વિદેશી પાકો, જેમ કે ખજૂર અને જૈતૂનની ખેતી તરફ પ્રેરિત કર્યા હતા.

- Advertisement -

પિતાના એ શબ્દો ક્યારેય ભૂલ્યા નહીં

ડિસેમ્બર 2017માં પિતાને કેન્સર થયું ત્યારબાદ મુકેશે VRS માટે અરજી કરી હતી. જુલાઈ 2018માં તેમના પિતાના અવસાન પહેલાં જ અરજી મંજૂર થઈ ગઈ હતી. હયાત હતા ત્યારે મુકેશના પિતા તેમને કહેતા, ‘જો તમે કંઈક નવું અજમાવવા માગતા હો, તો તમારું સ્વાગત છે. કંઈક શરૂ કરો. નિષ્ફળતામાં કંઈ ખોટું નથી.’ મુકેશ પિતાના એ શબ્દો ક્યારેય ભૂલ્યા નહીં.

મુકેશે 2012થી જ VRS લેવાનું આયોજન શરૂ કરી દીધું હતું. નોકરીમાં હતા ત્યારે જ તેમણે પોતાના પૈસાથી ધીમે ધીમે ફાર્મ વિકસાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2012માં તેમણે કિન્નૂ અને મોસંબીના 400 છોડ, 2013માં જૈતૂનના 450 છોડ અને 2014માં ખજૂરના 150 છોડ વાવ્યા હતા. આ રીતે તેમના સફળ કૃષિ ફાર્મનો મજબૂત પાયો નંખાયો હતો.

- Advertisement -

ઓર્ગેનિક ખેતી અપનાવી

2018માં પિલાની પાછા ફર્યા બાદ મુકેશે પોતાની 25 એકર જમીનનો વિસ્તાર વધારીને લગભગ 75 એકર કર્યો હતો. તેમણે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમણે ગીર અને સાહિવાલ જાતિની લગભગ 25 ગાયો પાળી હતી. આ ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘન જીવામૃત અને વર્મીકમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, વરસાદી પાણીના સંગ્રહ માટે લગભગ 3 લાખ લિટરની ક્ષમતા ધરાવતો ફાર્મ પૉન્ડ પણ બનાવડાવ્યો હતો.

આજે તેમના ફાર્મમાં ખજૂર, જૈતૂન, કિન્નૂ, મીઠાં લીંબુ, સંતરા, બોર, ચંદન, જામફળ અને દાડમ જેવી 50થી વધુ જાતોના લગભગ 5,000 છોડ લહેરાઈ રહ્યા છે.

- Advertisement -

હવે વર્ષે 2 કરોડ રૂપિયાની કમાણી

મુકેશ પોતાનાં ઉત્પાદનો પરંપરાગત બજારોમાં વેચવાને બદલે સીધા ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં તેમના લગભગ 225 સભ્યોનું નેટવર્ક છે. તેઓ શુદ્ધ ઘી, ફળો અને અન્ય ઉત્પાદનોનું સીધું વેચાણ કરે છે.

આ ઉપરાંત, તેમણે 2021માં ‘એગ્રો-ટૂરિઝમ’ની શરૂઆત કરી હતી. ફાર્મમાં બનાવેલી AC કૉટેજમાં પ્રવાસીઓ ગ્રામ્ય જીવનનો અનુભવ, ઘોડેસવારી, ઊંટસવારી અને તાજાં ફળો તોડવાનો આનંદ માણે છે. ગાયોના દૂધમાંથી બનતા ઘી અને ફાર્મની અન્ય પ્રવૃત્તિઓના આધારે ‘માંજૂ ફાર્મ્સ’નું વાર્ષિક ટર્નઓવર આજે લગભગ 2 કરોડ રૂપિયા છે.

Share This Article