ગાંધીધામ, તા. 9 : ભૂકંપ બાદ ટેક્સ હોલી-ડે અને બે મહાબંદર સહિતનાં પરિબળોનાં કારણે ઔદ્યોગિકીકરણનો પવન ફૂંકાયો, હજુ પણ કરોડોનું મૂડીરોકાણ પાઈપલાઈનમાં છે તેમજ તુણા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ આકાર પામવા જઈ રહ્યું છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. આ મામલે દીનદયાલ પોર્ટ?પ્રશાસન દ્વારા ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને કંડલા પોર્ટ હસ્તકની જમીન ફાળવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સંભવત: આંતરરાષ્ટ્રીય સ્તરના વિમાની મથકનાં નિર્માણ માટેના પ્રયાસો ઝડપભેર ચાલી રહ્યા છે. ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ભાવિ વિકાસને જોતાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ કંડલામાં જ બને તે સમયની જરૂરિયાત છે. જમીન સંદર્ભે તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દીનદયાલ પોર્ટ દ્વારા ત્રણ જમીનના પાર્સલ નક્કી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલની નીતિ મુજબ 60 વર્ષની લીઝ ઉપર જમીન આપી શકાય અને વધુમાં વધુ 99 વર્ષની લીઝ સુધી જમીન આપી શકાશે, તેવું તેમણે જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીને માલિકીની જમીન મેળવવા માટે કેબિનેટ પાસે મંજૂરી લેવી પડે તેવું તેમણે જણાવ્યું હતું. 1950માં અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં બનેલા કંડલા એરપોર્ટમાં વર્ષ 1960થી પ્રવાસી વિમાનની સેવા શરૂ થઈ હતી. અનેક ઉતાર-ચડાવ દરમ્યાન લાંબા સમય સુધી આ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે એક પણ વિમાનની ઊડાન થઈ ન હતી.

હાલ મુંબઈ અને દિલ્હીની વિમાનીસેવા ચાલી રહી છે. હાલ 78 સીટના નાના વિમાન આવી રહ્યા છે અને હાલના ટર્મિનલની ક્ષમતા ઘણી ઓછી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીનદયાલ પોર્ટ દ્વારા જે પાર્સલ દર્શાવવામાં આવે અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેને યોગ્ય રાખવામાં આવે તો જુજ દિવસોમાં જ જમીન સોંપણીની કામગીરી પૂર્ણ થઈ જાય તેમ છે. હાલ પોર્ટ પ્રશાસન દ્વારા જમીન પાર્સલ માટેની પ્રક્રિયા ચાલુ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. હાલ જ્યાં કંડલા એરપોર્ટ કાર્યકરત છે તે સ્થળે મોટા એરક્રાફ્ટનું સંચાલન થઈ શકે તે માટે 300 એકર જમીનની માગણી એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર પાસે એટલી જમીન જ ઉપલબ્ધ જ નથી.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા કંડલામાં પ00 કે 600 એકર નહીં એક હજાર એકર જમીન મેળવવા અને આગામી 50 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને કંડલામાં નવું એરપોર્ટ બનાવવાની દિશામાં વિચારાઈ રહ્યુyં છે. ડીપીએ દ્વારા પણ 600થી 1200 એકર સુધીની જમીન આપવા માટે તૈયારી આદરવામાં આવી છે. આ બધા સંજોગોને જોતાં જો એરપોર્ટ ઓથોરિટી લીઝ જમીન માટે તૈયાર થઈ તો તુરંતમાં જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં નિર્માણની કામગીરી આગળ ધપી શકે તેમ છે. બે મહાંબદરનાં કારણે પોર્ટ આધારિત ઉદ્યોગો, ભાવિ મૂડીરોકાણ સહિતનાં પાસાંઓને ધ્યાનમાં રાખીને જો નિર્ણય લેવાય તો કચ્છના વિકાસને નવું બળ મળશે, તેવું જાણકારો જણાવી રહ્યા છે.

