UAE Yuan Oil Trade Warning: ઈરાન પર અમેરિકાના હુમલાની આંચ સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ આવી રહી છે. હવે યુએઈની ધીરજ ખૂટી રહી છે. તેણે આ યુદ્ધ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. યુએઈએ ચેતવણી આપી છે કે જો યુદ્ધને કારણે અમેરિકી ડોલરની અછત સર્જાશે તો તે તેલ અને ગેસ માટે ચીનની કરન્સી યુઆન (Yuan) અથવા બીજી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન શરૂ કરી દેશે.
યુએઈના અધિકારીઓએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતી અસ્થિરતા અને ઈરાન સાથે વધતા સંઘર્ષ માટે સીધી રીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જવાબદાર ગણાવી છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના રિપોર્ટ મુજબ યુએઈનું માનવું છે કે અમેરિકાની આક્રમક નીતિઓએ પ્રાદેશિક નાણાકીય સ્થિરતાને જોખમમાં મૂકી દીધી છે.
શું ઓછો થશે ડોલરનો દબદબો?
મેક્રોઈકોનોમિક એનાલિસ્ટ લ્યુક ગ્રોમેન (Luke Gromen) ના જણાવ્યા અનુસાર, યુએઈએ પોતાની અર્થવ્યવસ્થાને યુદ્ધના જોખમોથી બચાવવા માટે અમેરિકા પાસે ફાયનાન્શિયલ લાઈફલાઈન તરીકે ડોલર સ્વેપ લાઈન (Dollar Swap Line) ની માંગ કરી છે. જો યુએઈ તેલ વેપાર માટે ચીની કરન્સી યુઆન અપનાવે છે, તો તે વૈશ્વિક બજારમાં ડોલરના દબદબા માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર હશે. દાયકાઓથી વૈશ્વિક તેલ વેપાર ડોલરમાં જ થતો આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીન પાસે પહેલેથી જ ઘણા દેશો સાથે સ્વેપ લાઈનો મોજૂદ છે, જેનાથી યુએઈ માટે યુઆન એક વ્યવહારુ વિકલ્પ બની ગયો છે.
UAE to Trump Administration: “You started this war; if we run short of USDs as a result of it, either you will give us USD swap lines, or we will be forced to start transacting oil and gas in CNY and other currencies.”
-WSJ, just now
Via @ces921 pic.twitter.com/gVangH8FGF
— Luke Gromen (@LukeGromen) April 19, 2026
બિન-ડોલર કરન્સીથી શું અસર થશે?
જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ ઉકેલ નહીં આવે તો કાચા તેલની કિંમતો હજુ વધી શકે છે. આનાથી વૈશ્વિક સ્તરે ડોલરની સ્થિતિ નબળી પડી શકે છે. લ્યુક ગ્રોમેનનો તર્ક છે કે બિન-ડોલર વેપાર અપનાવવાથી દેશોને પોતાનો મર્યાદિત ડોલર ભંડાર જૂનું દેવું ચૂકવવા માટે બચાવવામાં મદદ મળે છે, જ્યારે ભવિષ્યનો વેપાર નવી કરન્સીમાં શિફ્ટ થઈ જાય છે.
ભારતે કર્યું છે યુઆનમાં પેમેન્ટ
તાજેતરમાં ભારતીય તેલ કંપનીઓએ ઈરાન પાસેથી તેલ ખરીદ્યું છે. આનું પેમેન્ટ આ કંપનીઓએ અમેરિકી ડોલરને બદલે ચીની યુઆનમાં કર્યું છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય બીજી કંપનીઓ પણ અમેરિકી ડોલરને બદલે ચીની યુઆનમાં પેમેન્ટ કરવા પર વિચાર કરી રહી છે. અમેરિકી ડોલર સામે રૂપિયાની નબળાઈને પહોંચી વળવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને રિટેલ સેક્ટરની દિગ્ગજ કંપનીઓ યુઆન તરફ વળવાનું વિચારી રહી છે.

